રોહિત શર્માને 8 વખત અને વિરાટ કોહલીને 6 વખત આઉટ કરનાર ટ્રેન્ટ બોલ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

ન્યુઝીલેન્ડની ટીમ સુપર-8માંથી બહાર થયા બાદ બોલ્ટે જાહેર કર્યું હતું કે આ તેનો છેલ્લો T20 વર્લ્ડકપ છે. હવે તે આ ફોર્મેટમાં નહીં રમે.

ન્યુઝીલેન્ડના દિગ્ગજ બોલર ટ્રેન્ટ બોલ્ટે T20 વર્લ્ડકપમાં પાપુઆ ન્યુગીની સામે છેલ્લો મેચ રમ્યો હતો. જેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી.

ટ્રેન્ટ બોલ્ટની નિવૃત્તિને લીધે ન્યુઝીલેન્ડના બોલિંગ એટેક પર અસર થશે. જેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. બોલ્ટ એ સર્વશ્રેષ્ઠ બોલરમાં સામેલ છે કે જે પહેલી ઓવરમાં વિકેટ મેળવવા માટે જાણીતા છે.

બોલ્ટ હંમેશા દિગ્ગજ બેટરની વિકેટ ફટાફટ ઝડપી લેતો હતો. ભારતીય ટીમમાં બોલ્ટે રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન અને ચેતેશ્વર પૂજારાને સૌથી વધુ વખત આઉટ કર્યા છે.

બોલ્ટ અને રોહિત આંતરરાષ્ટ્રીય મેચમાં 20 વખત એકબીજા સામે ટકરાયા હતા. જેમાં બોલ્ટે રોહિતને 8 વખત આઉટ કર્યો હતો. જયારે કોહલીને 27 મેચમાં 6 વાર શિકાર બનાવ્યો હતો.

વર્લ્ડકપમાં રૂટ, એલિસ્ટર કૂક, જોની બેરસ્ટો અને ક્વિન્ટન ડી કોક જેવા ખેલાડીઓ બોલ્ટના પ્રિય શિકાર રહ્યા છે.

બોલ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રૂટને 13 વખત, જોની બેયરસ્ટોને 10 વખત અને એલિસ્ટર કૂકને 9 વખત આઉટ કર્યા હતા.

બોલ્ટે તેણે ટેસ્ટ મેચમાં 317 વિકેટ લીધી છે. વનડે ક્રિકેટમાં તેના નામે 211 વિકેટ છે. 61 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 83 વિકેટ લીધી હતી.

ટ્રેન્ટ બોલ્ટે 2 વર્ષ પહેલા જ ન્યુઝીલેન્ડ ક્રિકેટના વાર્ષિક કોન્ટ્રાક્ટની ઓફર ફગાવીને નિવૃત્તિના સંકેત આપ્યા હતા. ત્યારબાદ બોલ્ટ ન્યુઝીલેન્ડ માટે મહત્ત્વપૂર્ણ સિરીઝ માં જ રમતો હતો.

જેના કારણે તેની ટીકા પણ થઈ હતી. તેના ફેન્સનું કહેવું હતું કે, બોલ્ટ વારંવાર ઈજાગ્રસ્ત થઈ રહ્યો હતો, અને કારકિર્દીને લંબાવવા માટે તેને ટેસ્ટ અને વનડે ફોર્મેટથી દૂર રહેવું જરૂરી હતું.

બોલ્ટ વનડે અને ટેસ્ટ મેચથી દૂર રહ્યો. જેથી તેની ક્રિકેટ કારકિર્દી લાંબી ચાલી શકે.