IPLના ફાઈનલ માટે આ ખેલાડી KKRનું 'બ્રહ્માસ્ત્ર' છે, તેણે SRHના ઓપનરને ડક પર આઉટ કર્યો છે.
IPL 2024ની ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે થશે. બંને ટીમ 26 મેના રોજ ચેન્નાઈના ચેપોકમાં એકબીજા સામે ટકરાશે.
KKR અને SRH વચ્ચે પ્રથમ ક્વોલિફાયરમાં પણ ટક્કર થઈ હતી પરંતુ અહીં શ્રેયસ અય્યરની ટીમે બાજી મારતા SRHને બીજી ક્વોલિફાયર રમવા માટે મજબૂર કરી હતી.
પેટ કમિન્સની કેપ્ટનશિપમાં SRH એ દમદાર વાપસી કરી ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. પરંતુ SRH સામે એક મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે.
ટીમના ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા છેલ્લી કેટલીક મેચોથી ફોર્મમાં નથી.
ખાસ કરીને ટ્રેવિસ હેડ રન બનાવવામાં સંઘર્ષ કરી રહ્યો છે. રાજસ્થાન સામેની મેચમાં હેડે 28 બોલમાં માત્ર 32 રન બનાવ્યા હતા. જ્યારે ક્વોલિફાયર-1માં પોતાનું ખાતું પણ નહોતો ખોલી શક્યો.
ક્વોલિફાયર-1માં મિચેલ સ્ટાર્કે તેને બોલ્ડ કર્યો હતો. હવે મિચેલ સ્ટાર્ક અને ટ્રેવિસ હેડ ફરી એકવાર સામ-સામે આવશે. મિચેલ સ્ટાર્ક સામે ટ્રેવિસ હેડ બેટિંગ નથી કરી શક્યો.
બંને ખેલાડીઓ એકબીજા સામે 5 વખત ટકરાયા છે, જેમાં સ્ટાર્કે 4 વખત ટ્રેવિસ હેડને ડક પર આઉટ કર્યો છે. આ 5 મેચમાં હેડે માત્ર 1 રન બનાવ્યો છે. વર્ષ 2015માં સ્ટાર્કે હેડને ત્રણ વખત આઉટ કર્યો હતો.
વર્ષ 2017ના શેફીલ્ડ શિલ્ડ સ્પર્ધામાં સ્ટાર્કે હેડને ઝીરોના સ્કોર પર આઉટ કર્યો હતો. IPL 2024માં સ્ટાર્કે લેન્થ બોલથી હેડની વિકેટ ઝડપી છે.
હવે ફાઈનલમાં ફરી એક વખત બંને એકબીજા સામે મેદાનમાં ઉતરશે. SRH માટે આ સિઝનમાં ટ્રેવિસ હેડ સૌથી વધુ સ્કોર કરનાર બેટ્સમેનોમાંથી એક છે.