આ છે વિશ્વની સૌથી મોંઘી સ્કુલ, એક કરોડથી પણ વધુ છે અહીંની ફી

શિક્ષણ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે. હાલની એક વર્ષની કોલેજની ફીમાં તો એકસમયે બાળકનું નર્સરીથી કોલેજ સુધીનું શિક્ષણ થઈ જતું હતું. વિશ્વમાં ઘણી એવી સ્કૂલ છે જે મોંઘવારીને કારણે નહીં પરંતુ, તેના શિક્ષણને કારણે મોંઘી છે.

સ્વિટ્ઝર્લેન્ડના રોલેમાં સ્થિત 'લે રોઝી' આવી જ એક સ્કૂલ છે. 1880માં પોલ-એમિલ કાર્નલ દ્વારા સ્થપાયેલી સ્કૂલ વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રખ્યાત બોર્ડિંગ સ્કૂલોમાંની એક છે.

આ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓમાં બેલ્જિયમ, સ્પેન, ઈજિપ્ત, સર્બિયા જેવા દેશોના રાજપરિવારના સભ્યો સામેલ હોવાથી તેને 'રોયલ સ્કૂલ'ના નામે પણ ઓળખવામાં આવે છે.

આ સ્કૂલના બે કેમ્પસ છે. મેઈન કેમ્પસ રોલેમાં સ્થિત છે. જ્યારે, વિન્ટર કેમ્પસ ગસ્તાડના સ્કી રિસોર્ટ વિલેજમાં આવેલું છે. આ અનોખું સેટઅપ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સ્કીઈંગ જેવી વિન્ટર ગેમ્સ રમવાની સુવિધા આપે છે.

આ સ્કૂલમાં 58 દેશોના વિદ્યાર્થીઓ ભણે છે. કેમ્પસમાં વિવિધતા જાળવી રાખવા માટે એક દેશમાંથી 10 ટકાથી વધુ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતું નથી.

આ સ્કૂલમાં આવેલ હોર્સ રાઈડિંગનું સ્પેશિયલ સેન્ટર, વેટરનરી સર્વિસ, ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગપુલ અને વર્લ્ડ ક્લાસ આર્ટસ કોમ્પલેક્સ વિદ્યાર્થીઓની રૂચિ એક્સ્ટ્રા એક્ટિવિટી તરફ વધારે છે.

આ બોર્ડિંગ સ્કૂલની બેઝિક ફી જ રૂપિયા 1.50 કરોડ છે. આ ઉપરાંત વધારાની પ્રવૃતિઓ અને સ્પેશિયલ ફેસિલિટી માટે દર મહિને બિલ જનરેટ કરીને પેરેન્ટ્સને મોકલવામાં આવે છે.