ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, ટેસ્ટ અને વનડે માટે ટીમની પસંદગી કરવા રણજી ટ્રોફી જેવી ઘરેલુ ટૂર્નામેન્ટ ખૂબ મહત્ત્વની હોય છે.
પસંદગી માટે IPL પણ એક મહત્ત્વની ટૂર્નામેન્ટ છે, પરંતુ તેના આવવાથી ભારતની મુખ્ય ઘરેલુ સ્પર્ધાઓનું મહત્ત્વ ઓછું થયું નથી.
શ્રીલંકા સામે વનડે સીરિઝમાં ભારતને 2-0થી હારનો સામનો કરવો પડ્યો, સીરિઝની પહેલી મેચ ટાઈ રહી હતી. ભારત 1997 બાદ શ્રીલંકાથી વનડે સીરિઝ હાર્યું છે. આ મેચમાં શ્રીલંકાની ધીમી પિચ પર ભારતીય બેટ્સમેન સંઘર્ષ કરતાં નજર આવ્યા.
મેચ બાદ રોહિત શર્માને સવાલ કરાયો કે, શું તે યુવા બેટ્સમેનોને ઘરેલુ ક્રિકેટ વધુ રમવાની સલાહ આપશે? જેનો જવાબમાં રોહિતે કહ્યું કે, ટેસ્ટ અને વનડે ટીમો માટે ખેલાડીઓની પસંદગીમાં ભારતનું ઘરેલુ માળખું સૌથી મહત્ત્વપૂર્ણ છે.
અમારું લક્ષ્ય હંમેશાથી જે ખેલાડી હાજર છે તે રણજી ટ્રોફી રમે તે નક્કી કરવાનું રહ્યું છે. આપણી ઘરેલુ ક્રિકેટ આપણાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કરોડરજ્જુ છે. ઘણા ખેલાડી જે અત્યારે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે, તે ઘરેલુ ક્રિકેટ રમીને આવ્યા છે.
તેથી આપણી ઘરેલુ ક્રિકેટ તમામ માટે મહત્ત્વપૂર્ણ છે. માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે તે પ્રતિસ્પર્ધી બનેલા રહે. અમને ઘરેલુ સર્કિટથી ખેલાડી મળે છે, IPLથી નહીં.
જ્યારે તમે ટેસ્ટ અને વનડે ક્રિકેટ માટે ખેલાડીની પસંદગી કરો છો, તો એ વાત પર ખૂબ ચર્ચા થાય છે કે રણજી ટ્રોફી, વનડે ફોર્મેટ, સૈયદ મુશ્તાક અલી અને આ પ્રકારની અન્ય સ્પર્ધાઓમાં કોણ સારું પ્રદર્શન કરી રહ્યું છે'.
IPLના વધતાં મહત્ત્વ પર વાત કરતાં રોહિતે જણાવ્યું કે આ લીગનું પોતાનું મહત્ત્વ છે. 'IPL એક એવું ફોર્મેટ છે, જ્યાં પડકારો જુદા છે. આ બંનેની પ્રતિસ્પર્ધા છે.
આઈપીએલ પણ આપણી ક્રિકેટ છે. આ ઈન્ડિયન પ્રીમિયલ લીગ છે. અંતમાં જે પણ આ તમામ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરશે. તેને જ પસંદ કરવામાં આવશે.'