રતન ટાટાએ 7 વર્ષ પહેલા AI વિશે કરી હતી આ ભવિષ્યવાણી, આજે પડી રહી છે સાચી

ટાટા ગ્રુપના માનદ ચેરમેન રતન ટાટા હવે નથી રહ્યા. ગત રાત્રે તેમનું નિધન થયું હતું. રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું છે.

તેઓ માત્ર એક સફળ બિઝનેસમેન જ નહીં પરંતુ એક સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ પણ હતા. આ જ કારણ હતું કે તેમણે ઘણા નાના ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપ્યું હતું.

તેમણે ઘણા પ્રસંગોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ખુલીને વાત કરી હતી. આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની ચર્ચા થઈ રહી છે.

પરંતુ રતન ટાટાએ ઘણા વર્ષો પહેલા આનો અંદાજ લગાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે AI, રોબોટિક્સ અને એનાલિટીક્સમાં થઈ રહેલી પ્રગતિ મનુષ્યનું સ્થાન લઈ શકે છે.

તેમણે કહ્યું હતું કે આવી ટેક્નોલોજી ઘણા ક્ષેત્રોમાં માનવીની જરૂરિયાતને ઘટાડશે. તેમણે ટાટા ગ્રુપના એક પબ્લિકેશનમાં આ વાતો કહી હતી.

રતન ટાટાએ કહ્યું હતું કે ઓટોમેશન લાંબા સમયથી ઉદ્યોગોને ચલાવી રહ્યું છે, પરંતુ AIનો ઉદય તેને આગળ લઈ જશે.

રતન ટાટાએ વર્ષ 2017માં આ વાત કહી હતી. તેમણે એક ઈન-હાઉસ પબ્લિકેશન સાથેની વાતચીતમાં આ તમામ માહિતી આપી હતી. તેમણે તેમની ગ્રૂપ કંપનીઓને પણ આ અંગે વિચાર કરવા કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, 'ટેક્નોલોજી નક્કી કરશે કે બિઝનેસ કેવી રીતે ચલાવવામાં આવશે અને આ કોઈ નવી વાત નથી. આપણે ઘણા વર્ષોથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઓટોમેશન જોઈ રહ્યા છીએ.'

'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એનાલિટિક્સ જૂના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ટૂલ્સનું સ્થાન લેશે. આપણે Google પર કંઈપણ સર્ચ કરતા પહેલા વધુ વિચારતા નથી.'

'પ્રશ્ન પૂરો થાય એ પહેલાં જ જવાબ મળી જાય છે. આ પ્રકારની ટેકનોલોજી માનવ ઈનપુટને ખતમ કરશે અને નોકરીઓને અસર કરશે.'