ભારતની આ જગ્યાએ અઠવાડિયાથી ભૂસ્ખલન, સ્થાનિકો સાથે પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં

શિમલામાં એક અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનથી રસ્તા પર જામની સમસ્યા ગંભીર બની છે.

તંત્રએ ક્રોસિંગના નજીકના માર્ગ તો ખોલી દીધાં છે, પરંતુ વરસાદના કારણે આ જગ્યાએ પણ ભૂસ્ખલન થવાનો લોકોમાં ડર છે. જેના કારણે પગપાળા ચાલનારા લોકો ભૂસ્ખલનની સંભવિત જગ્યાએથી ખૂબ જ સાવચેતી સાથે પસાર થઈ રહ્યાં છે.

વાહન ચાલકો પણ આ જગ્યાઓએ ફસાઈ રહ્યાં છે, જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ છે. ચક્કર માર્ગ પર પ્રેસની નજીક પણ ભૂસ્ખલનનો ક્રમ શરૂ છે.

લોકો દ્વારા ભૂસ્ખલન રોકવા માટે તાડપત્રી લગાવવામાં આવી છે, પરંતુ વરસાદના કારણે ત્યાં પણ જોખમ રહેલું છે.

મંગળવારે ટુટૂ ક્રોસિંગથી જૂના બસ સ્ટેન્ડ સુધી પહોંચવા લોકોને આશરે એકથી દોઢ કલાક લાગ્યો હતો. ક્રોસિંગની નજીક જામના કારણે રસ્તા પર નાના-મોટા વાહનોની લાંબી લાઈનો લાગી છે.

આ કારણે સ્કૂલ, કોલેજ અને ઓફિસ જતાં લોકો પરેશાન થઈને પગપાળા જ નીકળી પડ્યાં છે. આવી સ્થિતિમાં સૌથી વધારે મુશ્કેલી વિદ્યાર્થીઓને થઈ રહી છે. ભારે ભરખમ બેગ અને વરસાદ સાથે સમયસર શાળાએ પહોંચવા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.