પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નવદીપ સિંહનો ખુલાસો, લોકોએ આપી હતી આત્મહત્યા કરવાની સલાહ

ભારતના પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નવદીપ સિંહે તાજેતરમાં તેના પીડાદાયક ભૂતકાળ વિશે ખુલાસો કરતા કહ્યું કે, લોકોએ તેને આત્મહત્યા કરવાની સલાહ પણ આપી હતી.

નવદીપે પેરિસમાં મેન્સ જેવલિન થ્રો F41 ઈવેન્ટમાં 47.32 મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ઈવેન્ટ દરમિયાન વાયરલ થયેલા વીડિયો દ્વારા નવદીપે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

એક પોડકાસ્ટમાં, 23 વર્ષીય એથ્લેટને પૂછવામાં આવ્યું કે, તેને જીવનના પડકારોનો સામનો કરવા માટે શું પ્રેરણા આપે છે. પેરા એથ્લેટિક્સ સ્ટારે ખુલાસો કર્યો કે તેને લોકોની એવી માન્યતામાંથી પ્રેરણા મળે છે કે, હું જીવનમાં કંઈ કરી શકશે નહીં.

નવદીપ સિંહે કહ્યું, "તમને શું લાગે છે કે અમારી હિંમત ક્યાંથી આવે છે? જ્યારે લોકો કહે છે કે તુ કંઈ નહીં કરી શકે. આના કરતા સારું છે તુ આત્મહત્યા કરી લે, આ કેવું જીવન છે?"

નવદીપે તેના સ્વર્ગસ્થ પિતાને પણ યાદ કર્યા જેમણે તેની સ્પોર્ટ્સ યાત્રા શરૂ કરવામાં મદદ કરી હતી. આ દરમિયાન નવદીપ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. તેણે કહ્યું, "તેમણે જ શરૂઆત કરાવી હતી. તેઓ દરેક જગ્યાએ મારી સાથે હતા."

નવદીપ મેદાન પર તેના આક્રમક સેલિબ્રેશનને કારણે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થઈ ગયો છે અને લોકો તેની તુલના વિરાટ કોહલી સાથે કરી રહ્યા છે. જોકે, તેણે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે રોહિત શર્મા તેનો ફેવરિટ ક્રિકેટર છે.

નવદીપ પેરિસ પેરાલિમ્પિક્સમાં 47.32 મીટરના બેસ્ટ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ ઈરાની એથ્લેટ ડીસ્ક્વોલીફાય થતા તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો.