હવે ફોન પર સોન્ગ વગાડવાની સાથે વીડિયો રેકોર્ડિંગ કરવું બન્યું વધુ સરળ, જાણો કેવી રીતે

મોબાઈલમાં સોન્ગ વગાડવાની સાથે વીડિયો રેકોર્ડિંગ કરવું પહેલાં ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ હવે એ એટલું જ સરળ બની ગયું છે. ઘણીવાર આ ફીચરને લઈને ઘણી મુશ્કેલીઓ પણ પડી છે.

ખાસ કરીને જ્યારે આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ. એક તરફ કારમાં બ્લુટૂથ પર ગીત વાગતા હોય અને બીજી તરફ ખૂબ જ સરસ લોકેશન આવ્યું હોય અને વીડિયો શૂટ કરવો હોય ત્યારે તકલીફ પડે છે.

એન્ડ્રોઇડ યુઝર માટે પહેલેથી ઘણી બધી થર્ડ પાર્ટી એપ્લિકેશન ઉપલબ્ધ છે. આ સાથે જ ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ સોન્ગ સાથે વીડિયોને રેકોર્ડ કરી શકાય છે.

એન્ડ્રોઇડ ઓપન પ્લેટફોર્મ હોવાથી એના માટે ઘણી એપ્લિકેશન પણ બની છે. આ માટે સર્ચ કરતા અનેક એપ્લિકેશન મળી આવે છે. બની શકે એન્ડ્રોઇડના આગામી વર્ઝનમાં પણ નવું ફીચર આપવામાં આવે, અને એનું કારણ છે એપલની iOS 18.

આઈફોન યુઝર માટે સોન્ગ વગાડવાની સાથે વીડિયો રેકોર્ડિંગ કરવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. એમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટની સાથે અન્ય એપ્લિકેશન કામ નહોતી કરી રહી.

ભાગ્યે જ કોઈ એપ્લિકેશન આ ફીચર આપતી હતી અને એમાં પણ સ્ક્રીન રેકોર્ડિંગ થતું હતું, તેથી વીડિયોનું આઉટપુટ જોઈએ એવું નહોતું મળતું. જોકે એપલ દ્વારા iOS 18માં આ ફીચર આપવામાં આવ્યું છે.

આ ફીચર મોટાભાગે ડિફોલ્ટ ઓન હોય છે. તેમ છતાં સેટિંગ્સમાં જઈ, કેમેરામાં જઈ, સાઉન્ડ રેકોર્ડમાં જઈ અલાઉ ઓડિયો પ્લેબેકને ઓન કરી આ ફીચર એનેબલ કરી શકાય છે. તેમાં સ્ટીરીયો પસંદ કરવાથી ક્વોલિટી સારી આવે છે.

આ ફીચર એનેબલ કરતા જ તમારા ફોનમાં સોન્ગ વગાડવાની સાથે જ તમે વીડિયો રેકોર્ડિગ પણ કરી શકશો.

ધ્યાન રાખવું કે વીડિયો રેકોર્ડ કરતી વખતે યુઝર દ્વારા કંઈ બોલવામાં આવ્યું તો એ પણ સોન્ગની સાથે વીડિયોમાં રેકોર્ડ થઈ જશે.