નવરાત્રિ શરૂ થઈ ચૂકી છે. નવી જનરેશનના કારણે ગરબા આયોજકો અને વેપારીઓ પર 'લક્ષ્મીજી'ની કૃપા વરસે છે. જ્યારે ખેલૈયાઓના ખિસ્સા ખાલી થાય છે. ત્યારે તમારા ખિસ્સામાંથી કેટલો થશે ખર્ચ જાણો તમામ હિસાબ...

દર વર્ષે નવરાત્રિમાં ટ્રેન્ડ બદલાતો રહે છે અને ખર્ચ વધતો રહે છે. આ વર્ષે નવરાત્રિનું માર્કેટ રૂ. 2500 કરોડને પાર પહોંચવાનું છે. તો બીજી તરફ નવરાત્રિમાં ખેલૈયા દીઠ નવ દિવસનો ખર્ચ 20 હજાર થવાનો અંદાજ છે.

યુવતીઓ રૂ. 1500થી 50 હજાર સુધીની ચણિયાચોળી ખરીદતી હોય છે. તો કેટલીક યુવતીઓ દૈનિક રૂ. 500થી રૂ.1500ના ભાડેથી પણ ચણિયાચોળી લાવે છે. આ 9 દિવસ દરમિયાન ચણિયાચોળીથી લઈને મેકઅપ સુધીમાં અંદાજે રૂ. 10થી રૂ. 20 હજારનો ખર્ચ થતો હોય છે.

નવરાત્રિ પહેલા જ દાંડિયા-રાસ-ગરબા કોચિંગ ક્લાસમાં ત્રણ-ચાર મહિના સુધી ખેલૈયાઓ ગરબા અને નવા નવા સ્ટેપ શીખવા માટે જાય છે. ગરબા-સ્ટેપ શીખવા માટે ખેલૈયાઓ રૂ. 3 હજારથી લઈને 10 હજાર સુધીનો ખર્ચ કરે છે.

નવરાત્રિમાં રંગબેરંગી ચણિયાચોળી સાથે મેકઅપ માટે ખેલૈયાઓ અગાઉથી જ પેકેજ બુક કરાવે છે. જેના માટે તેઓ પાર્લરમાં રૂ. 800થી 2000 સુધીનો દૈનિક ખર્ચ કરતી હોય છે. આમ, 9 દિવસનો ખર્ચ રૂ. 7 હજારથી લઈને 18 હજાર સુધીનો થતો હોય છે.

નવરાત્રિની જ્વેલરી જેમાં ઓક્સોડાઇઝના લાંબા ઇયરરિંગ્સ, નથણી, હાથ-પગના કડા, કમરબંધ, બાજુબંધ, પાયલ સહિતની માગ છે. આ જ્વેલરી માટે રૂ. 50થી 2 હજાર સુધીનો જ્યારે જર્મન સિલ્વર માટે રૂ. 500થી 15 હજાર સુધીનો ખર્ચ કરવામાં આવે છે.

ખેલૈયાઓ બોડી પર અલગ અલગ ડિઝાઇનના ટેટુઓ કરાવે છે. ખેલૈયાઓ ટેમ્પરરી તેમજ પર્મનેન્ટ ટેટુ કરાવતા હોય છે, ત્યારે આ ટેટુ બનાવવા પાછળ રૂ. 1 હજારથી લઈને 10 હજાર સુધીનો ખર્ચ કરવામાં આવે છે.

ફેમસ સિંગરોના ગરબાની રમઝટ માટે લોકો ઓનલાઇન/ઓફલાઇન હજારો રૂપિયાના પાસ ખરીદતા હોય છે. જેની શરૂઆતની કિંમતો રૂ.99થી 499 હોય છે. જ્યારે કેટલીક ઇવેન્ટમાં ટિકિટની કિંમત રૂ.499થી 4500 રૂપિયા જેટલી હોય છે. જો સામાન્ય ગરબા પાસ 9 દિવસ ખરીદવામાં આવે તો 1000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.

ગરબા ઇવેન્ટ્સમાં જનારા ખેલૈયાઓ ખાણી-પીણી માટે રૂ. 500થી 1000 સુધીનો સામાન્ય ખર્ચ કરતા હોય છે. જો ફેમિલી કે ગ્રૂપ હોય તો ખર્ચ વધુ થતો હોય છે. બીજી તરફ ઇવેન્ટ્સમાં ખાણી-પીણીનો સામાન ઘણો મોંઘો પણ હોય છે.

ગરબા ઇવેન્ટ્સ શહેરની બહાર મોટા મોટા ગ્રાઉન્ડમાં યોજાતી હોય છે. જ્યાં જવા માટે 5થી 15 કિલોમીટર સુધી જવું પડતું હોય છે. ત્યારે કારમાં જવાનો પેટ્રોલનો ખર્ચ 200 રૂપિયાથી વધુનો આવે છે. આમ, 9 દિવસનો ખર્ચ 1800 રૂપિયા જેટલો થાય છે.