આ વખતે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં કરવામાં આવ્યું છે. પેરિસ ઓલિમ્પિકની શરૂઆત 26 જુલાઈના થઈ અને તેનું સમાપન 11 ઓગસ્ટના થશે.

પેરિસ ઓલિમ્પિક દરમિયાન મિસ્ત્રની તલવારબાજ નાદા હાફિઝ ખૂબ ચર્ચામાં છે. તેણે પણ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.

26 વર્ષની નાદા હાફિઝે ખુલાસો કર્યો છે કે, પેરિસ 2024 ઓલિમ્પિકમાં ભાગ લેતી વખતે તે 7 મહિનાની પ્રેગ્નેન્ટ હતી.

હાફિઝે તલવારબાજીમાં મહિલાઓની વ્યક્તિગત સેબર સ્પર્ધાના પહેલા રાઉન્ડમાં અમેરિકાની એલિજાબેથ ટાર્ટાકોવસ્કીન હરાવી હતી.

નાદા હાફિઝે તેના ઈન્સ્ટાગ્રામમાં લખ્યું, ‘7 મહિનાની પ્રેગ્નેન્ટ ઓલિમ્પિયન. તમને પોડિયમ પર બે ખેલાડી દેખાઈ રહ્યા છે, પણ વાસ્તવમાં તે ત્રણ હતા. હું, મારી કોમ્પેટિટર અને હજી સુધી દુનિયામાં ન આવેલું મારું બેબી.’

નાદાએ કહ્યું, ‘મારા અને મારા બાળક સામે અનેક પડકારો હતા, પછી તે ફિઝિકલ હોય કે ઈમોશનલ. પ્રેગ્નેન્સીનું રોલર કોસ્ટર પોતાનામાં જ મુશ્કેલ છે.

પરંતુ જીવન અને રમત વચ્ચે સંતુલન બનાવી રાખવા માટે સંઘર્ષ કરવું ખૂબ મુશ્કેલ હતું. જોકે, તેના માટે સંઘર્ષ કરવું જરૂરી હતું.’

આગળ નાદા કહે છે, ‘હું આ પોસ્ટ એ કહેવા માટે લખી રહી છું કે રાઉન્ડ-16માં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા પર હું ગર્વ અનુભવી રહી છું. હું ભાગ્યશાળી છું કે મને મારા પતિનો સાથ અને વિશ્વાસ મળ્યો.

મારા પરિવાર માટે આટલા દૂર સુધી આવવું ઘણી મોટી વાત છે. આ ઓલિમ્પિક સ્પેશિયલ હતું. ત્રણ વખત ઓલિમ્પિયન પરંતુ આ વખતે એક નાનકડું ઓલિમ્પિયન સાથે લઈને.’

જોકે, નાદા રાઉન્ડ-16થી આગળ ન વધી શકી. નાદાને કોરિયા રિપબ્લિકની જિયોન હાયોંગે 15-7થી હરાવી હતી. નાદા ત્રીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી હતી.