રતન ટાટાના 'નકલી ક્વોટ' એ પણ કરી કમાલ, બદલી નાખ્યું સ્પીડ કિંગ મયંક યાદવનું જીવન
દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા હવે આ દુનિયામાં નથી રહ્યા. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટા 86 વર્ષના હતા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.
રતન ટાટાએ તેમના અદ્ભુત વ્યક્તિત્વથી તમામ ઉંમરના લોકોને પ્રેરણા આપી છે. જેમાં સ્પીડ કિંગ કહેવાતા ફાસ્ટ બોલર મયંક યાદવનો પણ સમાવેશ થાય છે.
મયંક યાદવામાં સતત 150ની ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા છે. એક સમયે તેણે ક્રિકેટ માટે નેવીમાં આકર્ષક નોકરીની ઓફર પણ રિજેક્ટ કરી હતી.
તે સમયે મયંકના કોચ અને પરિવારના સભ્યો તેના નિર્ણયથી ખૂબ નારાજ હતા. ઈજાના કારણે તેની કારકિર્દી ખતમ થઈ જવાનો ડર પણ હતો.
કોરોના દરમિયાન અનિશ્ચિતતાની સાથે આ બધું વધુ ચિંતાનું કારણ બની ગયું હતું. ત્યારે મયંકના નિર્ણયને રતન ટાટાના નામે વાયરલ થયેલા નિવેદનથી મજબૂતી મળી છે.
મયંકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હ્યું, "મેં ક્યાંક વાંચ્યું છે કે રતન ટાટાએ કહ્યું, 'હું યોગ્ય નિર્ણય લેવામાં વિશ્વાસ નથી રાખતો. હું નિર્ણયો લઉં છું, પછી તેને યોગ્ય સાબિત કરું છું.' આ મને ક્લિક થયું હતું."
રતન ટાટાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમણે આ શબ્દો ક્યારેય બોલ્યા નથી અને તે માત્ર સોશિયલ મીડિયા પર તેમના નામે વાયરલ થયેલું નિવેદન હતું.