ડાબા હાથની પહેલી આંગળી પર ચૂંટણીની શાહી લગાવવામાં આવે છે. મતદાન કર્યા પછી, ચૂંટણી અધિકારી મતદારની આંગળી પર વાદળી શાહી લગાવે છે. આ સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિ એક કરતા વધુ વખત મતદાન કરી શકશે નહીં.
આ શાહી સરળતાથી ભૂંસી શકતી નથી. તેને ઈનડેલિબેલ ઈંક પણ કહેવામાં આવે છે. પણ આ શાહીમાં એવું શું છે જે લગાવ્યા પછી સરળતાથી ભૂંસાતું નથી? ચાલો જાણીએ આ શાહી ક્યાં અને કેવી રીતે બને છે.
કર્ણાટક રાજ્યમાં આવેલી મૈસૂર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ નામની કંપનીમાં ચૂંટણીની શાહી બનાવવામાં આવે છે. કંપનીની સ્થાપના 1937માં મૈસુર પ્રાંતના તત્કાલીન મહારાજા નલવાડી કૃષ્ણરાજા વોડેયારે કરી હતી.
દેશમાં ચૂંટણીની શાહી બનાવવાનું લાઇસન્સ માત્ર આ કંપની પાસે જ છે. જોકે, આ કંપની અન્ય ઘણા પ્રકારના પેઇન્ટ બનાવે છે, પરંતુ તેની મુખ્ય ઓળખ ચૂંટણીની શાહી બનાવવાની છે.
આ શાહીનો પહેલી વખત 1962ની ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય ચૂંટણીઓમાં વાદળી શાહીનો સમાવેશ કરવાનો શ્રેય દેશના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેનને જાય છે.
MPVL કંપની ચૂંટણીની શાહીનું જથ્થાબંધ વેચાણ કરતી નથી. આ શાહી માત્ર સરકાર કે ચૂંટણી સંબંધિત એજન્સીઓને જ સપ્લાય કરવામાં આવે છે. આ કંપની ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોમાં પણ ચૂંટણીની શાહી સપ્લાય કરે છે.
ચૂંટણીની શાહી બનાવવા માટે સિલ્વર નાઈટ્રેટ કેમિકલનો ઉપયોગ થાય છે જે ઓછામાં ઓછા 72 કલાક સુધી સ્કિન પરથી દૂર કરી શકાતી નથી. આ કેમિકલ પાણીના સંપર્કમાં આવ્યા પછી કાળો થઈ જાય છે અને ઝાંખો થતો નથી.
જ્યારે ચૂંટણી અધિકારી મતદારની આંગળી પર શાહી લગાવે છે, ત્યારે સિલ્વર નાઈટ્રેટ શરીરમાં રહેલા મીઠા સાથે મળીને સિલ્વર ક્લોરાઈડ બનાવે છે. સિલ્વર ક્લોરાઇડ પાણીમાં ઓગળતું નથી અને સ્કિન પર જ રહે છે. આ નિશાન ત્યારે જ ભૂંસાય છે જ્યારે સ્કિનના સેલ્સ ધીમે-ધીમે જૂના થઈ જાય છે.
MPVLની વેબસાઈટ જણાવે છે કે ઉચ્ચ ગુણવત્તાની ચૂંટણીની શાહી 40 સેકન્ડથી ઓછા સમયમાં સુકાઈ જાય છે. તેની પ્રતિક્રિયા એટલી ઝડપી છે કે તે આંગળીને સ્પર્શ્યાની એક સેકન્ડમાં તેની છાપ છોડી દે છે.
આ જ કારણ છે કે આ શાહી ભૂંસી શકાતી નથી. જોકે, ઘણા લોકો દાવો કરે છે કે તેઓ કેટલાક ખાસ રસાયણોની મદદથી આ શાહી દૂર કરી શકે છે. પરંતુ આ માટે કોઈ નક્કર પુરાવા ઉપલબ્ધ નથી.