IPLના સૌથી યુવા ક્રિકેટરની ઉંમર ખોટી છે? જાણો ખેલાડીના પિતાએ શું કહ્યું

IPL મેગા ઓક્શનમાં બિહારના 13 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આ દરમિયાન તેની ઉંમર વિશે ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે.

હવે ક્રિકેટરના પિતા સંજીવ સૂર્યવંશીએ તમામ અફવાઓનો જવાબ આપ્યો છે.

વૈભવની સાચી ઉંમર અંગે વિવાદ ચાલી રહ્યો છે. ઘણા લોકો દાવો કરે છે કે, તે 15 વર્ષનો છે. ત્યારે તેના પિતાએ આ બાબતે સ્પષ્ટતા કરી છે.

તેમણે કહ્યું કે, 'જ્યારે તે સાડા 8 વર્ષનો હતો, ત્યારે તેણે પહેલીવાર BCCI બોન ટેસ્ટ આપ્યો હતો. તે ભારત તરફથી અંડર-19 રમી ચૂક્યો છે. અમને કોઈનાથી ડર નથી. તે ફરીથી 'ઉંમર પરીક્ષણ' માંથી પસાર થઈ શકે છે.'

વૈભવને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો, વૈભવનો જન્મ સમસ્તીપુર જિલ્લાના મોતીપુરમાં થયો હતો. પાંચ વર્ષની ઉંમરથી જ પિતા સંજીવે વૈભવને નેટ પ્રેક્ટિસ માટે મોકલ્યો હતો.

વૈભવના પિતાએ ઘરમાં પણ નેટ લગાવી હતી. એ પછી વૈભવે સમસ્તીપુરની ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું. ત્યારબાદ વૈભવે પટનાની જીસસ એકેડમીમાં મનીષ ઓઝા પાસેથી ટ્રેનિંગ લીધી.

IPL ઓક્શન બાદ વૈભવના પિતા સંજીવ ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'મારા 10 વર્ષના દીકરા વૈભવનું ક્રિકેટનું સપનું પૂરું કરવા માટે મેં મારી ખેતીની જમીન વેચી દીધી હતી.'

સંજીવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, હવે તે માત્ર અમારો દીકરો નથી, પરંતુ સમગ્ર બિહારનો દીકરો છે. વૈભવ હાલ અંડર-19 એશિયા કપ માટે દુબઈમાં છે.

મુશ્કેલીઓના દિવસો યાદ કરતા સંજીવે કહ્યું, 'મારા દીકરાએ સખત મહેનત કરી છે. 8 વર્ષની ઉંમરે તેણે અંડર-16 ડિસ્ટ્રિક્ટ ટ્રાયલમાં સારું પ્રદર્શન કર્યું હતું. હું તેને ક્રિકેટ કોચિંગ માટે સમસ્તીપુર લઈ જતો હતો.'