નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ઓનલાઈન એજ્યુકેશન ટ્યુટર બાયજૂસ વિરૂદ્ધ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવેલી નાદારીની અરજી સ્વીકારી લીધી છે.

ભારતીય ક્રિકેટ ટીમની ટી-શર્ટ પર બાયજૂસની સ્પોન્સરશીપ મામલે બીસીસીઆઈ સાથે કરેલા કોન્ટ્રાક્ટમાં ચૂકવણી કરવામાં બાયજૂસ નિષ્ફળ રહેતાં બીસીસીઆઈએ આ અરજી કરી હતી.

બીસીસીઆઈએ બાયજૂસ પર રૂ. 158 કરોડની બાકી ચૂકવણી ન કરવા બદલ ઈનસોલ્વન્સી પ્રક્રિયા શરૂ કરવાની માગ કરી હતી.

ગત વર્ષે બીસીસીઆઈએ બાયજૂસની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રા. લિ. વિરૂદ્ધ રૂ. 158 કરોડની બાકી પર નાદારી નોંધવાના અંગે અરજી દાખલ કરી હતી.

ટ્રિબ્યુનલે વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે પંકજ શ્રીવાસ્તવની નિમણૂક કરી છે. તેઓ કમિટી ઓફ ક્રેડિટર્સ તરીકે ઓળખાતી કમિટીના ધિરાણદારો સાથે મળી આ પ્રક્રિયા પૂર્ણ કરશે.