ભારતીય રેલ્વે વિશ્વમાં કમાણીની દૃષ્ટિએ ચોથા ક્રમે, આટલી છે છેલ્લા 5 વર્ષની આવક
વ્યાપક રેલ નેટવર્ક ધરાવતી ભારતીય રેલ્વેની આવક છેલ્લા પાંચ વર્ષથી સતત વધી 10 લાખ કરોડ રૂપિયાની સપાટી વટાવી ગઈ છે. જેમાં 70 ટકા કમાણી ગુડ્સ ટ્રેન મારફત થઈ હોવાનું RTIમાં જાણવા મળ્યું છે.
2019-20થી 2023-24 દરમિયાન ભારતીય રેલ્વેએ કુલ 10,01,957.45 રૂપિયાની કમાણી કરી છે. મબલક કમાણી સાથે ભારતીય રેલ્વે સતત ગ્રોથ કરી રહી છે.
ગ્લોબલ ડેટા મુજબ, 2023માં વિશ્વમાં કમાણીની દૃષ્ટિએ ભારતીય રેલ્વે ચોથા ક્રમે પહોંચી હતી. પ્રથમ સ્થાને 55,667 મિલિયન ડોલર સાથે જર્મનીની ડોયશે બાન એજી રેલ્વે નેટવર્ક છે.
RTI એક્ટ, 2005 હેઠળ કરવામાં આવેલી અરજીમાં રેલ્વે મંત્રાલયે જવાબ આપ્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષથી ભારતીય રેલ્વેની આવક સતત વધી રહી છે.
કુલ આવકમાં મોટો હિસ્સો ગુડ્સ ટ્રેનનો હતો. જેના મારફત 7,02,372.29 કરોડ રૂપિયાની આવક નોંધાઈ હતી. નવી પ્રીમિયમ ટ્રેન, સ્પીડમાં વધારો કરતાં પ્રોજેક્ટ્સ, અને પ્રીમિયમ સુવિધાઓના કારણે રેલ્વેની આવક વધી છે.
છેલ્લા એક દાયકામાં ભારતીય રેલ્વે દ્વારા 31,180 કિમીના ટ્રેક નાખવામાં આવ્યા છે. ટ્રેક બનાવવાની સ્પીડ 2014-15માં 4 કિમી/દિવસથી વધીને 2023-24માં 14.54 કિમી/દિવસ થઈ છે. 41,655 રૂટ કિમીને ઈલેક્ટ્રિફાઈડ કરવામાં આવ્યા છે.
ભારતીય રેલ્વેના મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિની સાથે મુસાફરીમાં ગેરરીતિ આચરવા બદલ થતી પેનલ્ટીમાં પણ વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય રેલ્વેએ કુલ 3,695 કરોડ રૂપિયાની પેનલ્ટી વસૂલી છે.
5 વર્ષમાં પેનલ્ટી મારફત થયેલી આવક:
2019-20 - 596.59 કરોડ,
2020-21 - 62.32 કરોડ,
2021-22 - 724.33 કરોડ,
2022-23 - 1100.1 કરોડ,
2023-24 - 1212.08 કરોડ