ભારતીય રેલ્વેનો નવો રેકોર્ડ, ફક્ત એક જ દિવસમાં આટલા લોકોને કરાવી મુસાફરી
ભારતીય રેલ્વેએ ચોથી નવેમ્બરે 2024ના રોજ એક જ દિવસમાં 3 કરોડથી વધુ મુસાફરોને મુસાફરી કરાવીને ઈતિહાસ રચી દીધો છે.
રેલ્વે મંત્રાલયે આ માહિતી આપી છે. દેશના પરિવહન ઈતિહાસમાં આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. માહિતી અનુસાર, 4 નવેમ્બરના રોજ ભારતીય રેલ્વે દ્વારા 1.2 કરોડ નોન-સબઅર્બન મુસાફરોએ મુસાફરી કરી હતી.
જેમાં 19.43 લાખ આરક્ષિત મુસાફરો અને 1.01 કરોડ બિનઆરક્ષિત મુસાફરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રેલ્વે મંત્રાલયે રેકોર્ડ 1.8 કરોડ સબઅર્બન મુસાફરોની મુસાફરી કરાવી છે.
તમામ મુસાફરોની સંખ્યા ઉમેર્યા બાદ ભારતીય રેલ્વેએ એક નવો ઈતિહાસ રચી દીધો છે. ભારતીય રેલ્વેએ તહેવારોની સિઝનમાં આ સિદ્ધિ મેળવી છે.
વર્ષના આ વ્યસ્ત સમયમાં, લાખો લોકો દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાના પ્રસંગે એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવાસ કરે છે.
ભારતીય રેલ્વેએ 1લી ઓક્ટોબરથી 30મી નવેમ્બર દરમિયાન કુલ 7,724 સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી હતી. જે ગયા વર્ષની 4,429 સ્પેશિયલ ટ્રેનની સરખામણીમાં 73% વધારે છે.
છઠ પૂજા માટે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાનો પર લઈ જવા માટે રેલ્વેએ છેલ્લા ચાર દિવસમાં દરરોજ સરેરાશ 175 સ્પેશિયલ ટ્રેનો ચલાવી છે.