ભારતીય હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશે આગામી પેરિસ ઓલિમ્પિક બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
સિનિયર હોકી ગોલકીપર શ્રીજેશને 328 આંતરરાષ્ટ્રીય મેચ, ત્રણ ઓલિમ્પિક ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ કપનો અનુભવ છે.આ વખતે તે પોતાનો ચોથો ઓલિમ્પિક ગેમ્સ રમશે.
હોકી પ્રેમીઓ આ ઓલિમ્પિકમાં પીઆર શ્રીજેશ માટે મેડલ જીતવા 'વિન ઈટ ફોર શ્રીજેશ' એવું કેમ્પેઇન ચલાવી રહ્યા છે.
પીઆર શ્રીજેશની કરિઅરની યાદગાર ટુર્નામેન્ટ્સ અને સિદ્ધિઓમાં 2014 એશિયન ગેમ્સમાં ગોલ્ડ, જકાર્તા-પાલેમ્બાંગમાં બ્રોન્ઝ મેડલ, 2018માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા ટીમ એટલે કે ગોલ્ડ મેડલ જીતનો સમાવેશ થાય છે.
પીઆર શ્રીજેશ ભુવનેશ્વરમાં 2019 FIH મેન્સ સિરીઝ ફાઇનલ્સની ટીમ અને બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા ટીમનો તે સભ્ય રહી ચૂક્યો છે.
પીઆર શ્રીજેશે લખ્યું કે “મારા સાથી ખેલાડીઓ દરેક મુશ્કેલ અને સારા સમય દરમિયાન સાથે રહ્યા છે. અમે બધા અહીં પેરિસમાં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગીએ છીએ અને ચોક્કસપણે,આ વખતે અમારી ઇચ્છા અમારા મેડલનો રંગ બદલવાની છે."
શ્રીજેશે કહ્યું, 'હું પેરિસમાં પોતાની અંતિમ ટૂર્નામેન્ટની તૈયારી કરી રહ્યો છું. મને પોતાના કરિયર પર ગર્વ છે અને આશા સાથે આગળ વધી રહ્યો છું.'