IPLની 17મી સિઝન ઝડપથી આગળ વધી રહી છે અને અત્યાર સુધીમાં રમાયેલા 41 મુકાબલામાં હોમ ટીમનો દબદબો જોવા મળ્યો છે.

T20 જેવા ટૂંકા ફોર્મેટમાં કોઈ ટીમને હોમગ્રાઉન્ડનો ફાયદો કેટલો મળી શકે? તેવો પ્રશ્ન ફેન્સમાં ચર્ચાતો રહે છે.

આ સિઝનમાં રમાયેલી 41માંથી 23 મેચમાં યજમાન ટીમ વિજેતા બની છે. જ્યારે 18 મેચ એવી છે કે, જેમાં અવે એટલે કે પ્રવાસી ટીમ વિજેતા બની છે.

હોમ ટીમના દબદબાની પાછળ પોતાના મેદાનની પીચની પરખ અને ફેન્સના જોરદાર સમર્થનની ભૂમિકા પણ અત્યંત મહત્ત્વની બની રહેતી હોય છે.

સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ સૌથી સફળ હોમ ટીમ છે. રાજસ્થાન આ સિઝનમાં ઘરઆંગણે 5 મેચ રમી છે, જેમાંથી 4માં જીત મેળવી છે.

રસપ્રદ રેકોર્ડ એ છે કે, તેઓ અવે ટીમ એટલે કે પ્રવાસી ટીમ તરીકે ત્રણ મેચ રમી છે અને ત્રણેય જીતી છે.

રાજસ્થાન આ સિઝનમાં એકમાત્ર એવી ટીમ છે કે, જે હરિફ ટીમના મેદાન પર એક પણ મેચ હારી નથી.

કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પણ હોમ પીચ અને પરિસ્થિતિનો આ સિઝનમાં સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો છે.

આ ત્રણેય ટીમો આ સિઝનમાં ઘરઆંગણે અત્યાર સુધી 4 મેચ રમી છે અને તેમાંથી 3-3 મેચ જીતી છે.

કોલકાતા હરિફ ટીમના મેદાન પર 3માંથી 2 મેચ જીતી છે.

લખનૌની ટીમ અવે મેચમાંથી 2 જીતી અને 2 હારી છે.

જ્યારે ચેન્નાઈનો અવે મેચનો રેકોર્ડ નિરાશાજનક રહ્યો છે. તે 4 અવે મેચમાંથી 3 હારી છે.

IPLની આ સિઝનમાં પંજાબ કિંગ્સ સૌથી ફ્લોપ હોમ ટીમ સાબિત થઈ છે. પંજાબની હોમ મેચ આ વખતે મુલ્લનપુર ખાતે રમાઈ રહી છે.

આ સ્થળ યજમાન ટીમને ફળ્યું નથી. પંજાબ ઘરઆંગણે 5માંથી 4 મેચ હારી છે.

જ્યારે બેંગલુરુ પ્રવાસી ટીમ તરીકે ફ્લોપ રહી છે, આ ટીમ અત્યાર સુધીમાં 5 અવે મેચ રમી છે અને તેમાંથી 4 મેચ હારી છે.