પહેલીવાર કોઈ બેટ્સમેને એક જ મેદાન પર સતત 5 મેચમાં સદી ફટકારી

ન્યુુઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી ન્યુુઝીલૅન્ડના હેમિલ્ટનમાં સેડન પાર્કમાં રમાઈ રહી છે.

આ ટેસ્ટ મેચમાં ન્યુઝીલૅન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસને ઇંગ્લૅન્ડ સામે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો.

આ તેની ટેસ્ટ કારકિર્દીની 33મી સદી છે. સાથે 147 વર્ષના ઇતિહાસમાં એક જ મેદાન પર સતત 5 સદી ફટકારનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો છે. ઉપરાંત સૌથી ઝડપી 33મી ટેસ્ટ સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયા છે.

વિલિયમસને વર્ષ 2019માં બાંગ્લાદેશ સામે 200 રન, 2019માં ઇંગ્લૅન્ડ સામે 104 રન, 2020માં વેસ્ટ ઇન્ડિઝ સામે 251 રન ફટકર્યા હતા.

2024માં દક્ષિણ આફ્રિકા સામે અણનમ 133 રન અને હવે 2024માં ન્યુુઝીલૅન્ડના સેડન પાર્ક મેદાનમાં ઇંગ્લૅન્ડ સામે 156 રન બનાવ્યા છે. સેડન પાર્ક ખાતે વિલિયમસનની આ પાંચમી ટેસ્ટ સદી છે.

કેન વિલિયમસન સૌથી ઝડપી 33 ટેસ્ટ સદી ફટકારવાના મામલે વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. તેના પહેલા રિકી પોન્ટિંગ અને સચિન તેંડુલકર ટોપ ટુમાં છે.

વિલિયમસન પછી યુનિસ ખાન અને સ્ટીવ સ્મિથ આવે છે. કેન વિલિયમસને તેની 186મી ટેસ્ટ ઇનિંગ્સમાં તેની 33મી ટેસ્ટ સદી પૂરી કરી છે.

કેન વિલિયમસને ન્યુુઝીલૅન્ડમાં 20 ટેસ્ટ સદી ફટકારીને હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ સદી ફટકારવાનો રૅકોર્ડ બનાવ્યો છે.

તેમના પછી રોસ ટેલર અને જોન રાઇટ આવે છે. આ સાથે તેમણે ન્યુુઝીલૅન્ડમાં તમામ ફોર્મેટમાં 24 સદી ફટકારવાનો રૅકોર્ડ પણ રોસ ટેલર સાથે શેર કર્યો છે.