EPFO એ આપી રાહત, હવે ક્લેમ સેટલમેન્ટની અડચણો થશે દૂર
EPFO પાસેથી મોટા સમાચાર મળ્યા છે. હવે લોકોને ક્લેમ સેટલમેન્ટમાં કોઈપણ સમસ્યા કે અડચણોનો સામનો નહીં કરવો પડે. કારણકે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નવી આઈટી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
કેન્દ્રીય શ્રમ મંત્રી મનુસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, EPFO આગામી ત્રણ મહિનામાં નવી આઈટી સિસ્ટમ પર ટ્રાન્સફર થશે. ત્યારબાદ ક્લેમ સેટલમેન્ટ અને બેલેન્સ ચેક કરવા જેવા કામ વધુ સરળ બનશે.
EPFO માટે નવી આઈટી સિસ્ટમ 2.01 લોન્ચ કરવાની તૈયારી થઈ રહી છે. નવી સિસ્ટમ લાગુ થયા બાદ કોઈપણ સભ્યે નોકરી બદલવા પર મેમ્બર આઈડી ટ્રાન્સફર નહીં કરાવવું પડે.
આ સિવાય નવું એકાઉન્ટ ખોલાવવાની જરૂર નહીં પડે. વેબસાઈટ પહેલા કરતાં વધુ સરળ અને સુલભ બનશે. EPFO પોર્ટલ મારફત બેલેન્સ ચેક કરવાથી માંડી ક્લેમ સેટલમેન્ટ અને અન્ય પીએફ સંબંધિત કામ સરળતા અને ઝડપથી થઈ શકશે.
EPFO પોર્ટલ પર યુઝર્સને અનેક મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે. ગતવર્ષે જુલાઈમાં રિટાયરમેન્ટ ફંડ સંગઠનના અમુક અધિકારીઓએ કેન્દ્ર સરકારને પત્ર લખી જૂની અને નબળી સોફ્ટવેર સિસ્ટમની ફરિયાદ કરી હતી.
આ સિસ્ટમના લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. સૌથી મોટી અડચણ પોર્ટલ પર લોગિન કરવામાં આવે છે. સર્વર સ્લો હોવાના કારણે ક્લેમ અને અન્ય અપડેટ્સ માટેની અરજી કરવામાં મુશ્કેલીઓ નડે છે.
અપડેટેડ સિસ્ટમમાં, ક્લેમ સેટલમેન્ટ સુવિધા ઓટો પ્રોસેસિંગ મોડ પર હશે. તમામ પેન્શનર્સને તેમનું પેન્શન એક નિશ્ચિત તારીખે જ મળશે. બેલેન્સ ચેક કરવાની સુવિધા પહેલા કરતાં વધુ સરળ બનશે.
નોકરી બદલવા પર MID ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં. કોઈપણ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની સમસ્યા પણ ખતમ થઈ જશે. જ્યારે પીએફ ખાતાધારકો પાસે માત્ર એક જ ખાતું હશે.