મંગળ પર મળેલા 'ક્રેટર'ને અપાયું દેવેન્દ્ર લાલનું નામ, આ છે તેમની સિદ્ધિઓ
મંગળ પરના એક ક્રેટર એટલે કે ખાડાને અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ના ભૂતપૂર્વ ડિરેકટર દેવેન્દ્ર લાલનું નામ આપવામાં આવ્યું છે.
1971માં ડો. વિક્રમ સારાભાઈનું આકસ્મિક નિધન થયા પછી PRLના ડિરેકટર બનેલા દેવેન્દ્ર લાલને ડો. સારાભાઈના વિઝનને આગળ ધપાવીને ભારતમાં સ્પેસ રિસર્ચનો નવો યુગ શરૂ કરવાનો શ્રેય અપાય છે.
દેવેન્દ્ર લાલના સમયમાં PRLએ માઉન્ટ આબુમાં ઈન્ફ્રારેડ ઓબ્ઝર્વેટરી સ્થાપી. ગુરૂ શિખર પાસેની ઈન્ફ્રારેડ ઓબ્ઝર્વેટરી અવકાશમાં ચાલી રહેલી ગ્રહો, તારા વગેરેની હિલચાલ નોંધવા માટેની પહેલી સંસ્થા હતી.
દેવેન્દ્ર લાલે રાજકોટ, સુરત અને અમદાવાદના થલતેજમાં સોલર વિન્ડની ઝડપ માપવા માટે રેડિયો ટેલીસ્કોપ પણ લગાવ્યા હતા.
PRLમાં અર્થ સાયન્સ, લ્યુનાર મેટરોઈસ અને પ્લાઝામા રિસર્ચ શરૂ કરાવવાનો શ્રેય પણ દેવેન્દ્ર લાલને જાય છે.
ભારતમાં સ્પેસ રીચર્સના પ્રણેતા મનાતા બે મહાન વિજ્ઞાનીઓ હોમી ભાભા અને ડો. વિક્રમ સારાભાઈ બંનેના વિઝનને દેવેન્દ્ર લાલે સાકાર કર્યું છે.
PRLમાં જોડાતા પહેલા દેવેન્દ્ર લાલ હોમી ભાભાએ સ્થાપેલી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચમાં કામ કરતા હતા.
નાસાએ વર્ષ 2005માં મંગળ પર માર્સ અવકાશ યાન મોકલ્યું પછી આ ઓર્બિટરમાં ફીટ થઈ શકે તેવું રડાર 2006માં મોકલ્યું હતું, મંગળની જમીન અંગેનો ડેટા મોકલતું આ રડાર મંગળ ગ્રહ પરના જ્વાળામુખી, બરફ, પાણી, ખાડા વગેરેનો ડેટા મોકલે છે.
PRLના વિજ્ઞાનીઓને આ ડેટાના સંશોધનમાં મંગળ પર જ્વાળામુખીના વિસ્તારમાં ત્રણ મોટા ક્રેટર દેખાયા. આ પૈકી બે 10 કિલોમીટર પહોળા છે જ્યારે એક ક્રેટર 50 કિલોમીટરનો વ્યાસ ધરાવે છે.
મંગળના પશ્ચિમ ગોળાર્ધમાં વિષુવવૃત્તની પાસે થાર્સિસ નામે જ્વાળામુખીનો મોટો વિસ્તાર છે કે જેને થાર્સિસ નામ અપાયેલું છે. અહીં સૌરમંડળમાં સૌથી મોટો જ્વાળામુખી હોવાનું મનાય છે.
ભારતીય વિજ્ઞાનીઓએ આ ક્રેટર શોધ્યા હોવાથી NASAએ ભારતીય વિજ્ઞાનીઓને તેમના નામ પાડવા કહેલું હતું.
PRLએ એક ક્રેટરને નામ દેવેન્દ્ર લાલ અને બીજા બે ક્રેટરને “મુરસાન' અને “હિલ્સા' ક્રેટર નામ આપવાનું સૂચન કરેલું. નાસાએ તેને મંજૂરી આપતા ક્રેટરને દેવેન્દ્ર લાલનું નામ અપાયું છે.