ચીન કુત્રિમ ટાપુ પર બનાવશે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ

પાડોશી દેશ ચીને એન્જિનિયરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વધુ એક નવો આવિષ્કાર કર્યો છે.

તેણે પૂર્વોત્તર તટ પર લિઓનિંગ પ્રાંતના એક વ્યસ્ત પોર્ટ ધરાવતા શહેર ડાલિયાનને વધુ સારી પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા દરિયામાં જ મોટો કૃત્રિમ ટાપુ બનાવી દીધો છે.

આ ટાપુ પર એરપોર્ટ બનાવવાની યોજના પર કામગીરી ચાલી રહી છે. આ કૃત્રિમ ટાપુ પર વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનાવવામાં આવશે.

ચીનના મીડિયા રિપોર્ટ અનુસાર, કૃત્રિમ ટાપુ પર નિર્માણધિન 'ડાલિયાન જિનઝોઉ બે' ઈન્ટરનેશનલ એરપોર્ટ 20.9 વર્ગ કિમી (7.7 વર્ગ માઈલ) માં વિસ્તરેલું છે. જેમાં ચાર રનવે અને 9,00,000 વર્ગમીટર (9,69,000 વર્ગફૂટ) માં પેસેન્જર ટર્મિનલ રહેશે. જે 2035 સુધી શરૂ થશે.

આ એરપોર્ટથી પ્રતિ વર્ષ 5.40 લાખ ફ્લાઈટ ઉડાન-ઉતરાણ કરશે. અહીં આશરે 8 કરોડ પેસેન્જર હવાઈ મુસાફરી કરી શકશે. કૃત્રિમ ટાપુ પર આ એરપોર્ટ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનશે.

તે કૃત્રિમ ટાપુ પર સ્થિત હોંગકોંગના ઈન્ટરનેશનલ એરપોર્ટ અને જાપાનના કંસાઈ એરપોર્ટને પાછળ છોડી દેશે. હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ 12.48 વર્ગ કિમી અને કંસાઈ એરપોર્ટ 10.5 વર્ગ કિમીમાં વિસ્તરેલું છે.

ડાલિયાન પોર્ટ ઓઈલ રિફાઈનરી, શિપિંગ, અને પર્યટન માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ નવું એરપોર્ટ ચીનના પાડોશી જાપાન અને દક્ષિણ કોરિયાની નજીક બનશે.

આથી જાપાનની ચિંતા વધી છે કારણકે, ભવિષ્યમાં ચીન દ્વારા હવાઈ પરિવહન ક્ષેત્રે વર્ચસ્વ વધશે. વધુમાં ચીન દરિયામાં વિવાદિત જળક્ષેત્રમાં પોતાની સેના અને મથકો બનાવવામાં માહિર છે.