સ્કોટલેન્ડના ઝડપી બોલર ચાર્લી કેસલે સોમવારે ડેબ્યૂ મેચમાં વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો હતો. પોતાના કારકિર્દીની પહેલી જ મેચમાં આ બોલરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
ચાર્લી કેસલે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ લીગ 2ની ઓમાન સામેની મેચમાં 5.4 ઓવરમાં 21 રન આપીને 7 વિકેટ લીધી.આ સાથે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડાનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
કેસલે પોતાની કારકિર્દીના પહેલા જ બોલે ઓમાનના પૂર્વ કેપ્ટન જીશાન મસૂદને એલબીડબલ્યુ આઉટ કર્યો અને બીજા બોલે અયાન ખાનને બોલ્ડ કર્યો હતો. વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ બોલરે તેના પહેલા બે બોલમાં બે વિકેટ લીધી હોય તેવો આ પહેલો કિસ્સો હતો.
પહેલી ઓવરના ચોથા બોલ પર તેણે ફરીથી વિકેટ લીધી હતી. કેસલે તેની પહેલી ઓવરમાં કુલ 3 વિકેટ ઝડપી હતી અને એક પણ રન આપ્યો ન હતો.
18મી ઓવરમાં મેહરાન ખાનને આઉટ કરીને પાંચ વિકેટ પૂરી કરતાની સાથે તે એવા 15 ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો કે જેમણે મેન્સ વનડે ડેબ્યૂમાં પાંચ વિકેટ લીધી છે.
તેણે ઓમાનના નીચલા ક્રમના બેટરોને ફટાફટ પવેલિયન ભેગા કરી દીધા હતા. પોતાની પહેલી વનડે મેચમાં કેસલે માત્ર 21 રન આપીને 7 વિકેટ ઝડપી હતી.
વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ બોલર દ્વારા ડેબ્યૂ વખતે ચાર્લી કેસલનું આ સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. અગાઉ કાગીસો રબાડાએ 2015માં બાંગ્લાદેશ સામે ડેબ્યૂ મેચમાં 16 રન આપીને 6 વિકેટ લીધી હતી.