ભારતના આ સ્થળોએ જોઈ શકો છો સૂર્યોદયના સુંદર નજારા
સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાથી મન ખુશ થઈ જાય છે. જો તમે એવી જગ્યા શોધી રહ્યા છો જ્યાંથી તમે સૂર્યોદયનો સુંદર નજારો જોઈ શકો, તો ચાલો જાણીએ ભારતના કેટલાક શ્રેષ્ઠ સ્થળો વિશે.
તમે કચ્છના રણમાં સૂર્યોદયનો અદ્ભુત નજારો જોઈ શકો છો. જ્યારે સૂર્યનો પ્રકાશ ત્યાંની રેતી પર પડે છે, ત્યારે મન મંત્રમુગ્ધ થઈ જાય છે.
ઓડિશામાં પુરી બિચ ખૂબ જ સુંદર છે. તેને ગોલ્ડન બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં સૂર્યોદયનો નજારો જોવા જેવો છે. જ્યારે સૂર્યના પ્રથમ કિરણો રેતીની સાથે પાણી પર પડે છે ત્યારે જે લાલાશ થાય છે તે મનને આનંદ આપે છે.
જો તમે ભારતમાં સુંદર સૂર્યોદય જોવા માંગો છો, તો કન્યાકુમારી બેસ્ટ સ્થળ છે. ત્યાં તમે બે સમુદ્ર અને એક મહાસાગરના સંગમ પર સૂર્યના કિરણો એક સાથે પડતા જોઈ શકો છો, જે અત્યંત સુંદર લાગે છે.
કેરળનું તટીય શહેર કોવલમ તેના સુંદર બિચ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ખાસ કરીને તમે ત્યાં ઉગતા સૂર્યને જોઈ શકો છો, જે ત્યાં આવતા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે.
ગુવાહાટી-શિલોંગ રોડ પર આવેલું ઉમિયમ તળાવ પણ જોવાલાયક સ્થળ છે. જ્યારે સૂર્યના પ્રથમ કિરણો આ તળાવ પર પડે છે ત્યારે તેની સુંદરતા જોવાલાયક હોય છે.
દાર્જિલિંગના ટાઈગર હિલ પરથી સૂર્યોદય ખૂબ જ સુંદર દેખાય છે. ત્યાં જતા દરેક પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ ટાઈગર હિલ પરથી ઉગતા સૂર્યને જોવાનું છે.
આ બધા સિવાય કર્ણાટકના નંદી હિલ્સ, વારાણસી, માઉન્ટ આબુ, મરીન ડ્રાઈવ, તાજમહેલ, રાધાનગર બિચ, હેવલોક આઈલેન્ડ વગેરે સ્થળોએથી પણ ઉગતા સૂર્યનો સુંદર નજારો જોઈ શકાય છે.