લખનૌ ફ્રેન્ચાઈઝીના વિવાદ પછી કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટીએ એક ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી છે.
IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ તેની રમત કરતા વિવાદોના કારણે વધુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં LSGની ટીમને SRH સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
મેચ પછી રાહુલ અને સંજીવ ગોયન્કા વચ્ચેની વાતચીતનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ગોયન્કાના હાવભાવથી લાગી રહ્યું હતું કે તે કેપ્ટન કેએલ રાહુલ પર રોષ ઠાલવી રહ્યા છે.
કેએલ રાહુલ શાંત રહીને આખી વાત સાંભળતો નજર આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ કેએલ રાહુલના ફેન્સ તેને ટીમ છોડવાની અપીલ કરી રહ્યા છે.
LSGના આસીસ્ટન્ટ કોચ લાન્સ ક્લુઝનરે વિવાદ ઠારવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે, ‘આ બે ક્રિકેટપ્રેમીઓ વચ્ચેની વાતચીત હતી અને તેને તેમાં કંઈ ખોટું દેખાતું નથી.’
આ ઘટના પછી કેએલ રાહુલે પણ એક વીડિયો શેર કરીને તેના ફેન્સને મેચ જોવાની અપીલ કરી હતી. પરંતુ તેણે સંજીવ ગોયન્કા સાથેના વિવાદ પર કંઈ કહ્યું ન હતું.
વીડિયો વાયરલ થયા બાદ લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કાએ 13 મેના રોજ ટીમના કેપ્ટન કેએલ રાહુલ માટે ડિનરનું આયોજન કર્યું હતું.
આ ડિનરમાં સંજીવ ગોયન્કા કેએલ રાહુલને ગળે મળ્યા હતા. આ મીટિંગ દરમિયાન કેએલ રાહુલ પણ ઘણો ખુશ જોવા મળ્યો હતો.
દરમિયાન, કેએલ રાહુલની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ તાજેતરમાં એક પોસ્ટ શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે.
આથિયાએ તાજેતરમાં સંજીવ ગોયન્કા અને કેએલ રાહુલના વિવાદનો ઉલ્લેખ કર્યા વિના માત્ર એક લાઈન લખી છે, જે ઘણું કહી જાય છે.
તેણે લખ્યું - તોફાન પછીની શાંતિ (the calm after the storm) આથિયાના નિવેદન પર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે IPL 2024 સમાપ્ત થયા બાદ કેએલ રાહુલ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.