શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાને દિલ્હીમાં જે બિલ્ડીંગમાં શાહરૂખ અને ગૌરી એક સમયે રહેતા હતા તેમાં બે માળ કરોડો રૂપિયામાં ખરીદ્યા છે. શાહરૂખ અને ગૌરી શરૂઆતના દિવસોમાં આ બિલ્ડીંગમાં થોડો સમય સાથે રહેતા હતા.
આ બિલ્ડીંગ દક્ષિણ દિલ્હીના પંચશીલ પાર્ક વિસ્તારમાં છે. શાહરૂખ પહેલેથી જ આ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટનો માલિક છે. રિપોર્ટ અનુસાર આર્યન ખાને આ પ્રોપર્ટીની ખરીદી માટે મે 2024માં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આ માટે આર્યને સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 2.64 કરોડ ચૂકવ્યા છે. આર્યને આ પ્રોપર્ટીનો માલિક બનવા માટે 37 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. શાહરૂખ અને તેના પરિવારનું દિલ્હી સાથે ખાસ જોડાણ છે.
બોલિવૂડ સ્ટાર્સને દિલ્હીમાં મોંઘી પ્રોપર્ટી ખરીદતા જોવું મુશ્કેલ છે. છેલ્લે અમિતાભ બચ્ચને દક્ષિણ દિલ્હીના ગુલમોહર પાર્કમાં પોતાની પ્રોપર્ટી 23 કરોડ રૂપિયામાં વેચી હતી.
આર્યન ખાન પહેલા સુહાના ખાને ગયા વર્ષે જાન્યુઆરીમાં અલીબાગમાં 12.91 કરોડ રૂપિયામાં ખેતીની જમીન ખરીદી હતી. આ પછી, ફેબ્રુઆરી 2024 માં પણ તેણે મુંબઈ નજીકના બીચ પાસે 10 કરોડ રૂપિયામાં એક પ્રોપર્ટી ખરીદી.
આર્યન પિતા શાહરૂખની જેમ અભિનય નહીં પણ નિર્દેશનના ક્ષેત્રમાં કરિયર બનાવવા માગે છે. તેણે પોતાના પહેલા પ્રોજેક્ટ ‘સ્ટારડમ’થી ડેબ્યૂ કરવાનો નિર્ણય લીધો છે. આ વેબ સીરિઝનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. તેની સ્ક્રિપ્ટ પણ આર્યન ખાને લખી છે.
તેનું નિર્માણ શાહરુખ ખાનના હોમ પ્રોડક્શન રેડ ચિલીઝ દ્વારા કરવામાં આવ્યું છે. આમાં મોના સિંહ મહત્ત્વના રોલમાં હશે. તેના સિવાય બોબી દેઓલ, રણબીર કપૂર, રણવીર સિંહ, કરણ જોહર જેવા સ્ટાર્સ તેમાં જોવા મળશે. આ શોમાં શાહરૂખ ખાન પણ એક કેમિયો કરશે.
બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા આર્યને ડાયવોલ એક્સ નામથી લક્ઝરી સ્ટ્રીટવેરનું વેચાણ પણ શરૂ કર્યું છે. આર્યન આ બ્રાન્ડના હૂડી, સ્વેટશર્ટ અને ડેનિમ જેકેટ્સ વગેરેનું ઓનલાઈન વેચાણ કરે છે. શાહરૂખ અને સુહાનાએ આ બ્રાન્ડની જાહેરાતો પણ કરી છે.