પોષક તત્ત્વોથી ભરપૂર એવા આ સ્વાદિષ્ટ અંજીરના સેવનથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણા બધા ફાયદા થાય છે તે સૌ જાણે છે.
બધા એમ જ માને છે કે ફળ વેજ એટલે કે શાકાહારી જ હોય છે, પણ અંજીરનો કિસ્સો થોડો અલગ છે. ઘણા લોકો અંજીરને માંસાહારી ગણીને ખાતા નથી.
અંજીરના ફળ કુદરતી રીતે જ ઊગે છે અને એ સંપૂર્ણ શાકાહારી જ હોય છે, પણ ટ્વિસ્ટ અંજીર તૈયાર થવાની એક પ્રક્રિયામાં આવે છે. તેના કારણે જ અનેક લોકો અંજીરને શાકાહારી નથી ગણતા.
તે પ્રક્રિયા એટલે પરાગનયન. અંજીરનું પરાગનયન એક પ્રકારની નાની ભમરી પર નિર્ભર રહે છે. અંજીરના ફળમાં એક નાનું છિદ્ર હોય છે જેમાંથી ભમરી અંદર પ્રવેશે છે.
ફળની અંદર દાખલ થયા બાદ નર અને માદા ભમરી પ્રજનન કરે છે અને માદા ભમરી ફળની અંદર ઈંડા મૂકે છે.
આ સંપૂર્ણ પ્રક્રિયા બાદ ભમરી ફળની બહાર નીકળવાની કોશિશ કરે છે. નર ભમરી માદા ભમરીને ફળની બહાર નીકળવામાં મદદ કરે છે, પરંતુ તેઓ દર વખતે સફળ નથી થતાં.
ઘણીવાર માદા ભમરી બહાર નીકળી આવે છે, પણ નર અંદર જ મરી જાય છે. તો ઘણીવાર નર અને માદા બન્ને ફળની અંદર જ મૃત્યુ પામે છે.
અંજીરમાં રહેલું ફિસિન નામનું એન્ઝાઇમ મરી ગયેલી ભમરીના શરીરને ઓગાળી નાંખે છે અને એને ફળના માવામાં ભેળવી દે છે.
અંજીરનું ફળ પાકી જાય પછી એને સૂકવીને ડ્રાયફ્રૂટ બનાવવામાં આવે છે. તેથી અંજીરને કેટલાક લોકો નોનવેજ ફળ ગણે છે. તો કેટલાક લોકો આ સમગ્ર પ્રક્રિયાને કુદરતી ગણીને નોનવેજ નથી ગણતા.