મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: 'સીરિયા અને લેબેનાનમાંથી તાત્કાલિક સેના પાછી ખેંચો', ટ્રમ્પની નેતન્યાહૂને કડક ચેતવણી

Donald Trump Call To Netanyahu : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝર

તસવીર: gstv

Donald Trump Call To Netanyahu : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરીને સીરિયા અને લેબેનાનમાંથી પોતાની સેના પાછી ખેંચવા માટે કડક શબ્દોમાં જણાવ્યું છે. ટ્રમ્પનું માનવું છે કે આ વિસ્તારોમાં ઇઝરાયલી સૈન્યની હાજરીથી મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માં તણાવ સતત વધી રહ્યો છે અને તે યુદ્ધની આગને વધુ ભડકાવી શકે છે. ટ્રમ્પે નેતન્યાહૂને સ્પષ્ટ કહ્યું કે, "તેઓ (સ્થાનિકો) તમને ત્યાં જોવા નથી માંગતા, તમારે તમારી સેના પાછી ખેંચી લેવી જોઈએ."

નાટો સંમેલનની મુલાકાત બાદ ટ્રમ્પનું મોટું પગલું

આ ફોન કોલ પૂર્વે તૂકિયેમાં યોજાયેલી નાટો (NATO) શિખર સંમેલન દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સીરિયાના પ્રમુખ અહેમદ અલ-શરા વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકના બીજા જ દિવસે ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને આ કડક આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો હતો, પરંતુ ત્યારબાદ ઇઝરાયલે પોતાનું ધ્યાન સીરિયા અને લેબેનાન તરફ કેન્દ્રિત કરીને ત્યાં સૈન્ય કાર્યવાહી વધારી દીધી હતી.

સુરક્ષા કરાર અને ઇઝરાયલનો ઈનકાર

અમેરિકન પ્રશાસન છેલ્લા ઘણા મહિનાઓથી ઇઝરાયલ અને સીરિયા વચ્ચે નવો સુરક્ષા કરાર કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે નેતન્યાહૂ આ મામલે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવા તૈયાર નથી. ડિસેમ્બર 2024માં અસદ શાસનના પતન બાદ ઇઝરાયલે સીરિયાના જે વિસ્તારો પર કબજો કર્યો છે, ત્યાંથી તે સેના હટાવવા રાજી નથી. ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે નિવેદન આપ્યું છે કે સરહદો પર સુરક્ષા ઝોન જાળવી રાખવો તેમના દેશની સુરક્ષા માટે અનિવાર્ય છે.

ચૂંટણીના દબાણ વચ્ચે નેતન્યાહૂની મુશ્કેલી વધી

ઇઝરાયલી સેનાએ હાલ દક્ષિણ લેબેનાન અને દક્ષિણ સીરિયાના મોટા ભાગો પર નિયંત્રણ મેળવેલું છે. ઇઝરાયલના કેટલાક કટ્ટરપંથી અધિકારીઓ તો આ વિસ્તારોમાં યહૂદી વસાહતો સ્થાપવાની પણ હિમાયત કરી રહ્યા છે. બીજી તરફ, ઇઝરાયલમાં ત્રણ મહિના પછી સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, જે નેતન્યાહૂના રાજકીય અસ્તિત્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રાજકીય દબાણ વચ્ચે નેતન્યાહૂ અમેરિકાની વાત માનીને સૈન્ય પાછું ખેંચે તેવી શક્યતા હાલ નહિવત દેખાઈ રહી છે.

આ સમાચાર શેર કરો