VIDEO: ANDARNI VAAT / ભોજશાળા સંકુલ નજીક જમીન મુદ્દે વિવાદ: ખાનગી જમીન ફાળવવા સામે સ્થાનિકોનો ભારે આક્રોશ!
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ ઐતિહ

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ ઐતિહાસિક ભોજશાળા સંકુલ નજીક નમાઝ અદા કરવા માટેની જમીન ફાળવણી મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ અને વિરોધનો સૂર ઊઠ્યો છે. સ્થાનિક રહીશ જીતેન્દ્ર પટેલ અને આયુષ નાગર સહિતના ગ્રામજનોએ વહીવટી તંત્ર દ્વારા તેમની માલિકીની ખાનગી જમીન, સર્વે નંબર ૫૯૬, ને નમાઝ માટે ચિહ્નિત કરવાના પ્રયાસો સામે સખત વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે આ જમીન છેલ્લા ૨૦૦ કરતાં પણ વધુ વર્ષોથી તેમના પરિવારના કબજામાં છે, જેના જરૂરી દસ્તાવેજો, પહોંચો અને ઐતિહાસિક પુરાવાઓ તેમની પાસે મોજૂદ છે. ગ્રામજનોનું કહેવું છે કે આ જમીન તેમના પરિવારના નભાવ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ ખેતી પર નિર્ભર છે અને તેનાથી જ તેમના પરિવારનું ગુજરાન ચાલે છે..
ગ્રામજનોએ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરતાં સ્પષ્ટ કર્યું છે કે નમાઝ માટે વર્તમાન સ્થળથી ૩૦૦ મીટરની ત્રિજ્યા બહારની જગ્યા નક્કી કરવાનો આદેશ આપવામાં આવેલો છે. તેમના જણાવ્યા મુજબ, પ્રસ્તાવિત સર્વે નંબર ૬૧૧ આ નક્કી કરેલી ત્રિજ્યાની બહાર આવે છે, છતાં તેમની ખાનગી જમીનનો ઉપયોગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સ્થાનિકો પોતાની ખાનગી જમીન પર નમાઝ અદા કરાવવાના નિર્ણય સામે મક્કમ છે અને તેમણે વહીવટી તંત્રને અપીલ કરી છે કે તેમના વર્ષો જૂના હક્કો તેમજ આજીવિકાનું રક્ષણ કરવામાં આવે. વહીવટી તંત્રના આ પગલાથી ક્ષેત્રમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે અને ગ્રામજનો પોતાના અધિકારો માટે એકજૂથ થઈને ન્યાયની માંગ કરી રહ્યા છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી






