મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO:ANDARNI VAAT/નગરોટાથી ભક્તિમય સફરનો પ્રારંભ

જમ્મુ-કાશ્મીરના નગરોટાથી ઘાટીના વિવિધ પવિત્ર ધાર્મિક સ્થળો માટે વાર્ષિક યાત્રાનો ખૂબ જ ભક્તિમય માહોલમ

જમ્મુ-કાશ્મીરના નગરોટાથી ઘાટીના વિવિધ પવિત્ર ધાર્મિક સ્થળો માટે વાર્ષિક યાત્રાનો ખૂબ જ ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી તંત્રના સચોટ આયોજન વચ્ચે અંદાજે નવ હજાર જેટલા શ્રદ્ધાળુઓ આશરે ૨૦૦ વિશેષ બસો દ્વારા ખીર ભવાની, ટીક્કર કુપવાડા, લોગરીપોરા અનંતનાગ, દેવસર અને મંઝગામ કુલગામ યજ્ઞ માટે રવાના થયા છે. રાહત અને પુનર્વસન કમિશનર અરવિંદ કરવાણી અને ધારાસભ્ય દેવ્યાની રાણાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ કાફલાને લીલી ઝંડી બતાવી રવાના કરાયો હતો. યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં, ખાસ કરીને કાશ્મીરી પંડિતોમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષા, રહેઠાણ અને સુવિધા માટે કરાયેલી વ્યવસ્થાઓ ગત વર્ષો કરતાં ઘણી બધી શ્રેષ્ઠ હોવાથી ભક્તોએ પ્રશાસનનો આભાર માન્યો હતો.

આ પવિત્ર યાત્રા માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી, પરંતુ ઘાટી સાથે વિખૂટા પડેલા પરિવારોના અતૂટ ભાવનાત્મક સંબંધોને પુનર્જીવિત કરવાનું એક માધ્યમ બની છે. વડીલો કે જેઓ ક્યારેક કાશ્મીરમાં રહેતા હતા, તેઓ પોતાની ભવ્ય સંસ્કૃતિના દર્શન કરવા આતુર છે; તો બીજી તરફ નવી પેઢીના યુવાનો, જેમણે માત્ર વડીલોના મોઢે કાશ્મીરની સુંદરતાની વાતો સાંભળી હતી, તેઓ આ ભૂમિની પવિત્રતા અને શાંતિનો પ્રત્યક્ષ અનુભવ કરવા માટે ભારે રોમાંચિત છે. સમગ્ર નગરોટા બેઝ કેમ્પ ભજન-કીર્તન અને જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રની આ સક્રિયતા કાશ્મીરમાં શાંતિ, ભાઈચારો અને પ્રવાસન તેમજ ધાર્મિક સંસ્કૃતિને મજબૂત કરવાની દિશામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સરાહનીય કદમ સાબિત થઈ રહી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો