મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ANDARNI VAAT / જૌહર યુનિવર્સિટીમાં શિક્ષણ બચાવો સંગ્રામ, ડિમોલિશન ઓર્ડર સામે વિદ્યાર્થીઓનું આંદોલન!

ઉત્તર પ્રદેશના રામપુર સ્થિત મોહમ્મદ અલી જૌ

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના રામપુર સ્થિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર પર તંત્રના ડિમોલિશન ઓર્ડર સામે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન સતત ચોથા દિવસે પણ યથાવત રહ્યું હતું.. યુનિવર્સિટી પરિસરના અમુક હિસ્સા અને બાંધકામને ગેરકાયદે ગણાવીને તંત્ર દ્વારા જારી કરાયેલા પાડી દેવાના આદેશના વિરોધમાં સેંકડો વિદ્યાર્થીઓ કડકડાટ તાપ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે ધરણા પર બેસી ગયા હતા. આક્રોશિત વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ શૈક્ષણિક સંસ્થા તેમના ભવિષ્ય સાથે જોડાયેલી છે અને વહીવટી તંત્રની આવી આકરી કાર્યવાહીથી હજારો વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી શકે છે. હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને યુનિવર્સિટીના ગેટ પર એકઠા થયેલા વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને ઓર્ડર તાત્કાલિક પાછો ખેંચવાની ઉગ્ર માંગ કરી છે..

વિદ્યાર્થીઓના સતત વધી રહેલા આંદોલનને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં મોટો પોલીસ કાફલો તથા પીએસીના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરીને મામલો શાંત પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ પોતાની માંગ પર મક્કમ જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો શૈક્ષણિક સંસ્થાના બાંધકામ પર બુલડોઝર ચલાવવાનો કે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો આ આંદોલન વધુ આક્રમક બનાવવામાં આવશે. જૌહર યુનિવર્સિટી ખાતે સર્જાયેલી આ તંગદિલીભરી સ્થિતિને પગલે સમગ્ર રામપુર જિલ્લામાં ભારે ચર્ચા અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો