VIDEO: ANDARNI VAAT / ભારત-મ્યાનમાર સરહદે પાંગસાઉ પાસ બોર્ડર માર્કેટ પુનઃ ધમધમ્યું!
ભારત અને મ્યાનમાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને સ્થાનિક અર્થત

ભારત અને મ્યાનમાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને સ્થાનિક અર્થતંત્રને નવી ઊંચાઈ આપતી એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. આસામના તિનસુકિયા નજીક આવેલું અને વર્ષ ૨૦૦૬થી કાર્યરત પાંગસાઉ પાસ બોર્ડર માર્કેટ દીર્ઘકાલીન વિરામ બાદ, એટલે કે સતત છ વર્ષ પછી પુનઃ ધમધમતું થયું છે. ભારત અને મ્યાનમાર વચ્ચે તાજેતરમાં થયેલા પરસ્પર કરારના સકારાત્મક પરિણામે આ સરહદી બજાર ફરી શરૂ થતાં સરહદની બંને પારના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે હર્ષ અને સંતોષની લાગણી વ્યાપી ગઈ છે. મુક્ત અવરજવરના નિયમો હેઠળ નક્કી કરાયેલા ૧૦ કિલોમીટરના વ્યાપમાં ક્રોસ-બોર્ડર ટ્રેડ શરૂ થવાથી સ્થાનિક બજારોમાં રોનક પાછી ફરી છે. આ ઐતિહાસિક નિર્ણાયક પગલાથી બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો મજબૂત બનવાની સાથે સાથે સ્થાનિકો માટે રોજગારી અને આવકના નવા દ્વાર ખુલ્યા છે..
આ સરહદી વેપારથી બંને દેશોના બજારોને પરસ્પર મોટો આર્થિક લાભ થઈ રહ્યો છે. ભારતીય બજારોમાં મ્યાનમાર તરફથી કૃષિ ઉત્પાદનો, પરંપરાગત પોશાકો અને સ્થાનિક ઔષધિઓ આયાત કરવામાં આવી રહી છે, જ્યારે મ્યાનમારમાં ભારત તરફથી બિસ્કિટ, બટાટા અને અન્ય જીવનજરૂરી ખાદ્યસામગ્રીની મોટા પાયે નિકાસ થઈ રહી છે. નામપોંગ ઝેડપીએમ ના મટોન નગાઈમોંગ સહિતના સ્થાનિક સત્તાધીશોના જણાવ્યા મુજબ, વેપારનો સમયગાળો અને બજારના દિવસો લંબાવવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. છ વર્ષના લાંબા અંતરાલ બાદ શરૂ થયેલા આ બોર્ડર માર્કેટે સરહદી વિસ્તારોના આર્થિક વિકાસને નવી ગતિ આપી છે, જેનાથી બંને ક્ષેત્રોના સ્થાનિક વેપારીઓને મોટો આર્થિક ટેકો મળી રહ્યો છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી






