VIDEO: 22 એપ્રિલ 1985! જ્યારે સાડીની મદદથી સ્મૃતિબેન શાહે સેંકડો કર્મચારીઓના જીવ બચાવ્યા!
VIDEO: કોઈપણ સંસ્થા તેના ઈંટ-પથ્

VIDEO: કોઈપણ સંસ્થા તેના ઈંટ-પથ્થરોથી નહીં, પણ તેમાં કામ કરતા માણસોથી બને છે—આ સત્ય સ્મૃતિબેન શાહ માત્ર સમજતા નહોતા, પણ જીવતા હતા. ગુજરાત સમાચારના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમનો ઓભો એક કડક શિસ્તબદ્ધ વહીવટકર્તાનો હતો, પરંતુ તેની પાછળ એક એવું હૃદય ધબકતું હતું જે પોતાના કર્મચારીઓને સંતાનવત પ્રેમ કરતું હતું.
ગુજરાતના ઈતિહાસમાં 22 એપ્રિલ, 1985નો દિવસ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. અમદાવાદ હિંસાની આગમાં સળગી રહ્યું હતું. અરાજકતા એટલી હતી કે સત્યનો અવાજ દબાવવા માટે 'ગુજરાત સમાચાર'ના ભવનને નિશાન બનાવવામાં આવ્યું. લોખંડી દરવાજા તોડીને ટોળું અંદર ધસી આવ્યું અને આખી ઈમારતને આગના હવાલે કરી દીધી. ચારેબાજુ ધૂમાડાના ગોટા અને ભભૂકતી જ્વાળાઓ હતી.
તે સમયે શ્રેયાંસભાઈ શાહ વિદેશમાં હતા. સંસ્થાના સેંકડો કર્મચારીઓના જીવ જોખમમાં હતા. મોત સામે દેખાઈ રહ્યું હતું, ત્યારે સ્મૃતિબેને જે કર્યું તે આજે પણ ઈતિહાસના પાનાઓમાં 'અકલ્પનીય સાહસ' તરીકે નોંધાયેલું છે. એક મજબૂત સ્ત્રી તરીકે તેમણે ધૈર્ય ન ગુમાવ્યું. બહાર નીકળવાના બધા રસ્તા બંધ હતા, ત્યારે તેમણે ઈમારતની પાછળની બારી પસંદ કરી. પોતાની અને ઘરની અન્ય સાડીઓને એકબીજા સાથે મજબૂતીથી બાંધીને એક લાંબી દોરડી તૈયાર કરી. પોતે જોખમ ખેડીને, એક પછી એક દરેક કર્મચારીને એ 'સાડીની નિસરણી' દ્વારા સુરક્ષિત નીચે ઉતાર્યા. જ્યાં સુધી છેલ્લો કર્મચારી બહાર ન નીકળ્યો, ત્યાં સુધી સ્મૃતિબેન ત્યાં જ અડીખમ ઊભા રહ્યા. એ દિવસે તેમણે સાબિત કર્યું કે એક લીડર એ છે જે પોતાના સૈનિકો માટે રણમેદાનમાં છેલ્લે સુધી ઊભો રહે.
સ્મૃતિબેન માટે કામ એ જ પૂજા હતી. તેઓ 'ક્વોલિટી' અને 'પંક્ચ્યુઆલિટી'ના આગ્રહી હતા. તેમની ઓફિસમાં પ્રવેશતા જ એક શિસ્તનો અનુભવ થતો. પરંતુ આ શિસ્ત ડરાવવા માટે નહીં, પણ કર્મચારીને શ્રેષ્ઠ બનાવવા માટે હતી. તેઓ માનતા કે મીડિયામાં કામ કરનાર વ્યક્તિએ આયના જેવી સાફ હોવી જોઈએ. જો કોઈ કર્મચારી ભૂલ કરે તો તેઓ કડક હાથે કામ લેતા, પણ જો કોઈની મહેનત સાચી હોય તો તેને બિરદાવવામાં ક્યારેય કંજૂસી ન કરતા.




