મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: સરકારી શાળામા વીર સાવરકરના ટી શર્ટ વિદ્યાર્થીઓને પહેરાવાતા વિવાદ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓને વીર સાવરકરના ટી શર્ટ પહેરાવવામાં આવતા વિવા

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓને વીર સાવરકરના ટી શર્ટ પહેરાવવામાં આવતા વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસે શાળાના બાળકોના મનમાં ગાંધીજી-સરદાર પટેલ જેવા મહાન લડવૈયાના સ્થાને ભાજપ સાવરકરને રાષ્ટ્રીય હીરો બનાવવા માંગતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ચોટીલામાં 10 હજાર ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઋત્વિક મકવાણાએ શું કહ્યું?

ચોટીલાના કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાએ કહ્યુ કે, "ચોટીલા તાલુકાના સાંગાણી ગામ આગળથી ન્યાયયાત્રા પ્રસાર થતી હતી. આ દરમિયાન સરકારી શાળાની તિરંગા યાત્રા પ્રસાર થઇ ત્યારે ધ્યાનમાં આવ્યું કે શાળાના બાળકોએ કેસરી કલરના ટી શર્ટ પહેરેલા હતા. કેસરી કલર સાથે કોઇ વાંધો નથી પણ નજીકથી જોયું તો સાવરકરની તસવીરો હતી. સ્વાભાવિક રીતે પૂછતા જાણવા મળ્યું કે સમગ્ર તાલુકામાં 10 હજાર ટી શર્ટનું વિતરણ સંસ્થાના નામે રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે."

ઋત્વિક મકવાણાએ વધુમાં કહ્યું કે, રાજ્યની સરકાર એક બાજુ સ્ટેચ્યુ ઓફ યૂનિટીની વાત કરે, સરદાર પટેલની વાત કરે બીજી બાજુ મહાત્મા મંદિરની વાત કરે અને પડદા પાછળ કંઇક જુદો જ ખેલ ચાલી રહ્યો છે. ગાંધીના ગુજરાતમાંથી ગાંધી-સરદારનું નામ મીટાવી સાવરકરને હીરો સાબિત કરવા માટેનો પડદા પાછળનો ખેલ ચાલી રહ્યો છે તેના પર તાત્કાલિક પગલા લેવા જોઇએ. ફરિયાદ થવી જોઇએ અને આ વિતરણ કરનાર કોણ છે તેની પણ તપાસ કરવી જોઇએ. આપણા રાષ્ટ્રીય હીરો આજે પણ ગાંધી અને સરદાર છે, ગાંધી અને સરદાર હતા અને આવનારા સમયમાં પણ ગાંધી અને સરદાર જ રહેવાના છે. તમે ગમે તેટલી મહેનત કરો ગુજરાતમાંથી ગાંધી અને સરદારનું નામ ભૂસી શકો તેમ નથી.

આ સમાચાર શેર કરો