VIDEO: નારાયણી નદી બે કાંઠે વહેતા અનેક ગામડાંઓ થયા જળમગ્ન!
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પૂરનો ભયાનક પ્રકોપ નારાયણી નદી બે કાંઠે વહેતા અનેક ગામ

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પૂરનો ભયાનક પ્રકોપ
નારાયણી નદી બે કાંઠે વહેતા અનેક ગામડાંઓ થયા જળમગ્ન!
ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં નારાયણી નદીના ઉછળતા પૂરના પાણીએ વિરામ વગર કાળો કેર વર્તાવવાનું શરૂ કર્યું છે. પહડી વિસ્તારોમાંથી ધસમસતા આવેલા પાણીના સૈલાબને કારણે નારાયણી નદીની જળસપાટી ભયજનક નિશાન વટાવી જતાં નદીકાંઠાના અનેક ગામડાઓ જળમગ્ન બની ગયા છે. આ ઘોડાપૂરના લીધે કુશીનગરના ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.નારાયણી નદીનું પૂર ગામડાઓમાં ઘૂસી જતાં ઘરો, પ્રાથમિક શાળાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. માર્ગો પર કેટલાય ફૂટ સુધી પૂરના પાણી વહી રહ્યા હોવાથી અનેક ગામોનો સંપર્ક તાલુકા અને જિલ્લા મથકથી તૂટી ગયો છે. લોકો પોતાના કિંમતી સામાન અને પશુધનને બચાવવા માટે ઊંચાણવાળા વિસ્તારો તથા બંધો પર આશરો લેવા મજબૂર બન્યા છે. બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઊભા પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિથી કિસાન આલમ ભારે ચિંતામાં મુકાયો છે.
ઘરો અને ખેતરોમાં પાણી ભરાતાં જનજીવન ઠપ!
ગામડાંઓ સંપર્કવિહોણા બનતા બંધો પર આશરો લેવા મજબૂર બન્યા ગ્રામજનો!
સ્થાનિક ગ્રામજનો અને પીડિતોએ પોતાની આપવીતી જણાવતાં આક્રોશ અને વેદના ઠાલવી હતી કે, દર વર્ષે આવતી આ આફતમાં ઘરવખરી અને પશુધનનો મોટો નાશ થાય છે. લોકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે બોટ, ભોજન, પીવાનું ચોખ્ખું પાણી અને તબીબી સહાય પહોંચાડવાની ઉગ્ર માંગ કરી છે. અસરગ્રસ્તોનું કહેવું છે કે જો પ્રશાસન વહેલી તકે વહારે નહીં આવે તો પરિસ્થિતિ વધુ વિસ્ફોટક અને વિકટ બની શકે છે.કુશીનગરના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સામે આવેલા તાજેતરના ગ્રાઉન્ડ રિપોર્ટના દ્રશ્યોમાં જળમગ્ન બનેલા કાચા-પાકા મકાનો, પાણીમાં ડૂબેલા રસ્તાઓ અને પોતાના પરિવાર સાથે સલામત સ્થળે ખસતા ગ્રામજનો સ્પષ્ટ જોઈ શકાય છે. પરિસ્થિતિની સંગીનતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન અને રાહત ટુકડીઓ એક્શન મોડમાં આવી ગઈ છે અને પૂરની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી








