મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ગીર પંથકમાં મગફળીનો પાક સુકાઈને ભસ્મીભૂત! વીઘે ૨૦ હજારનો ખર્ચ માથે પડ્યો

ગીર પંથકમાં મગફળીનો પાક સુકાઈને ભસ્મીભૂત! વીઘે ૨૦ હજારનો ખર્ચ માથે પડ્યો જૂનાગઢ

તસવીર: gstv

ગીર પંથકમાં મગફળીનો પાક સુકાઈને ભસ્મીભૂત!

વીઘે ૨૦ હજારનો ખર્ચ માથે પડ્યો

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના પંથક સ્થિત કારીભડા સહિત ગીરના અનેક ગ્રામીણ વિસ્તારોમાં વરસાદના લાંબા વિરામે ખેતી ક્ષેત્રે તારાજી સર્જી છે. સીઝનના પ્રારંભે મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને વીઘે ૨૦ હજાર રૂપિયા સુધીનો જંગી ખર્ચ કરનાર ધરતીપુત્રો માટે હવે પાક બચાવવો અશક્ય બન્યો છે. અવિરત સુકાતા ખેતરોને કારણે મુખ્ય રોકડિયા પાક ગણાતી મગફળી તદ્દન બળીને ખાખ થઈ જતાં સ્થાનિક ખેડૂતો ઊંડા આર્થિક સંકટમાં સપડાયા છે. પરિસ્થિતિ એટલી કટોકટીભરી બની છે કે મગફળી નિષ્ફળ જતાં ખેડૂતો નિરાશામાં આવીને ઉભા પાકને ઉપાડી લેવા મજબૂર બન્યા છે. છોડવામાં દાણા બેસવાની તો દૂરની વાત રહી, પશુઓ માટેનો ડારો પણ હાથમાં આવે તેમ ન હોવાથી ખેડૂતોનું તમામ રોકાણ એળે ગયું છે. વાવેતર પાછળ થયેલો તમામ ખર્ચ માથે પડતાં અને માથા પર ધિરાણનો બોજ વધતાં ગીરના કૃષિકારો તીવ્ર રોષ અને હતાશા અનુભવી રહ્યા છે.

ડારો પણ હાથમાં ન આવતાં ખેડૂતો ખેતરમાંથી પાક ઉપાડવા મજબૂર!

ચારા અને પીવાના પાણી વગર માલ-ઢોરનું નિભાવણું બન્યું દુષ્કર!

પાકના વિનાશની સાથે સાથે હવે ગીર પંથકમાં પશુધનને જીવંત રાખવાનો પણ વિકટ પ્રશ્ન ઊભો થયો છે. વિસ્તારમાં પીવાના પાણી અને ચારાની અછત દિન-પ્રતિદિન ગંભીર રૂપ ધારણ કરી રહી છે. આ ગંભીર જળસંકટ ઉકેલવા ખેડૂતોએ સરકાર પાસે નર્મદા યોજનાનું પાણી વ્રજમી ડેમમાં તાકીદે છોડવાની આજીજી કરી છે. જો ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો એક-બે વીઘામાં ઘાસચારો વાવીને માલ-ઢોરનો જીવ બચાવી શકાય તેમ છે. જરુરિયાતના સમયે જો તંત્ર દ્વારા પાણીનો પુરવઠો પૂરો પાડવામાં નહીં આવે તો ગ્રામજનોની સાથે પશુઓનું નિભાવણું કરવું સાવ અશક્ય બની જશે. બરબાદીના આરે ઊભેલા ગીરના ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ પાક ધિરાણમાં રાહત, કરજ માફી અને તાત્કાલિક આર્થિક મદદ પૂરી પાડવાની જોરદાર અપીલ કરી છે. ખેડૂતોની એક જ માગ છે કે પ્રશાસન વિલંબ કર્યા વગર રાહત કાર્યો શરૂ કરે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો