મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: જસપ્રીત બુમરાહ માટે ઈજા બની મોટી સમસ્યા, આ 5 મોટી ટૂર્નામેન્ટમાંથી રહી ચૂક્યો છે બહાર

જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્ત્વપૂર્ણ ફાસ્ટ બોલર છે. જોકે, ઈજા હંમેશાં તેના

તસવીર: gstv

જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્ત્વપૂર્ણ ફાસ્ટ બોલર છે. જોકે, ઈજા હંમેશાં તેના કરિયરનો સૌથી મોટો પડકાર રહી છે. તાજેતરમાં જ જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઈજાના કારણે શ્રીલંકા સામેની મહત્ત્વની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ મોટી ટૂર્નામેન્ટ કે સિરીઝ પહેલાં જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો હોય. આવો નજર કરીએ એવી 5 મોટી ટૂર્નામેન્ટ પર, જેમાં ઈજાના કારણે જસપ્રીત બુમરાહ રમી ન શક્યો.

T20 વર્લ્ડ કપ 2022

2022નો T20 વર્લ્ડ કપ ભારત માટે કોઈ ખરાબ સ્વપ્નથી ઓછો નથી રહ્યો. જસપ્રીત બુમરાહ કમરની ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો, જેના લીધે ભારતનું બોલિંગ આક્રમણ અત્યંત નબળું પડી ગયું હતું.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ રમાઈ હતી. આ મોટી ફાઈનલમાં જસપ્રીત બુમરાહ ઈજાના કારણે નહતો રમી શક્યો. ટીમ ઈન્ડિયાને તેની ખોટ સાલી અને ભારત 209 રનથી આ મેચ હારી ગયું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો હતો. આ મોટી ટૂર્નામેન્ટમાં જસપ્રીત બુમરાહ રમતો નહતો દેખાયો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 દરમિયાન તેને ઈજા થઈ હતી, જેના કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફી નહતો રમી શક્યો. જોકે, તેના રિપ્લેસમેન્ટ તરીકે આવેલા હર્ષિત રાણાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.

IPL 2023

જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની સિઝન નહોતો રમ્યો. તે મુંબઈ ઈન્ડિયન્સનો મુખ્ય ફાસ્ટ બોલર છે. આ જ કારણે મુંબઈ ઈન્ડિયન્સને તેની કમી વર્તાઈ હતી, પરંતુ ટીમ સિઝનમાં ત્રીજા સ્થાને રહી હતી.

એશિયા કપ 2022

જસપ્રીત બુમરાહ કમરની ઈજાના કારણે એશિયા કપ 2022નો હિસ્સો નહતો બની શક્યો. બુમરાહની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા માટે આ ટૂર્નામેન્ટ ભૂલવા લાયક રહી હતી. ભારત ફાઈનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. મુખ્યત્વે આ ટૂર્નામેન્ટથી જ બુમરાહને કમરની ઈજાએ પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.

આ સમાચાર શેર કરો