VIDEO: કાનપુરમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ બિઠૂરના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા!
કાનપુરમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ બિઠૂરના અનેક ગામોમાં પૂરન

કાનપુરમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ
બિઠૂરના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા!
૨ થી ૩ કિલોમીટર સુધી ચારેય તરફ જળબંબાકાર
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગંગા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થતાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ગંગા નદી વોર્નિંગ લેવલ પાર કરી જતાં બિઠૂર નજીક આવેલા ભોપાલ પુરવા, લક્ષ્મણ પુરવા, દુરગા પુરવા અને ભગવાનદીન પુરવા જેવા અનેક ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. સમગ્ર કટરી વિસ્તારમાં ૨ થી ૩ કિલોમીટર સુધી ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. નદીના ધસમસતા પ્રવાહને કારણે ગામડાઓનો સંપર્ક તૂટી જતાં સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, પૂરના પાણી ઘરોની અંદર સુધી પહોંચી ગયા છે, જેના કારણે લોકોને ઘરના છાપરા અને ધાબા પર આશરો લેવાની ફરજ પડી છે. પીવાના શુદ્ધ પાણી, શૌચાલય અને ખાવા-પીવાની ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો નાવડા મારફતે અવરજવર કરી રહ્યા છે. શિવકુમાર અને સુરેશ જેવા સ્થાનિકો નાવ ચલાવતા લોકો અને પૂરપીડિત ૩૦થી વધુ પરિવારો સુધી ખોરાકના પેકેટ પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે.
ઘરોમાં પાણી ઘૂસતા લોકો ધાબા પર આશરો લેવા મજબૂર!
રીંગણ, ભીંડા અને શાકભાજીનો પાક તબાહ, ખેડૂતો થયા પાયમાલ!
બીજી તરફ, પૂરના કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, રીંગણ, ભીંડા, મરચાં, દૂધી અને કોળા જેવા શાકભાજીના પાક પૂરના પાણીમાં તબાહ થઈ ગયા છે. છેલ્લા પાંચ વર્ષથી સતત આવતા પૂરના કારણે ખેતી સંપૂર્ણપણે નાશ પામી છે. તંત્ર દ્વારા માત્ર હાઈવે પર રહેવાની વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે, પરંતુ યોગ્ય વળતર કે રાહત સામગ્રી ન મળતાં ગ્રામજનોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. કાનપુરથી સામે આવેલા દ્રશ્યોમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તંત્ર દ્વારા વધુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે જળસ્તર સતત વધી રહ્યું છે. અસરગ્રસ્ત ગ્રામજનો હાલ તંત્ર પાસે તાત્કાલિક રાહત સામગ્રી, સલામત આશ્રયસ્થાન અને પાકના નુકસાન સામે વળતર આપવાની આજીજી કરી રહ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી








