મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અઘોષિત વીજ કાપની ફરિયાદો વચ્ચે મુખ્યમંત્રીની ઉર્જા વિભાગ સાથે બેઠક

સોર્સ: gstv

રાજ્યમા અઘોષિત વીજ કાપની સતત ઉઠતી ફરિયાદ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉર્જા વિભાગ સાથે બેઠક કરી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઊર્જા વિભાગના તમામ અધિક મુખ્ય સચિવો અને ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં વીજળીના વર્તમાન ઉત્પાદન તેમજ દૈનિક માગ અંગેની વિસ્તૃત વિગતો મેળવી હતી. અધિકારીઓએ રાજ્યના વિવિધ પાવર પ્લાન્ટ્સની કાર્યક્ષમતા અને કોલસાના જથ્થાની સ્થિતિ રજૂ કરી હતી. ઉદ્યોગો અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીનો પૂરવઠો ખોરવાય નહીં તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ તમામ પાવર સ્ટેશનો પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા કડક સૂચનાઓ આપી હતી. આગામી દિવસોમાં મોટા તહેવારો આવી રહ્યા હોવાથી રાજ્યમાં વીજળીનો વપરાશ ખૂબ જ વધી જવાની સંભાવના છે. સામાન્ય નાગરિકોને તહેવારોના દિવસોમાં પાવર કટની હાલાકી ભોગવવી ન પડે તે માટે વિશેષ આયોજન ઘડવામાં આવ્યું હતું. અધિકારીઓએ પીક અવર્સ દરમિયાન વીજ વ્યવસ્થા જાળવી રાખવા માટેનો ખાસ એકશન પ્લાન મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો. કોઈપણ ભોગે રહેણાંક વિસ્તારોમાં વીજળીની ઘટ ન સર્જાય તે બાબતને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો હતો.

આ સમાચાર શેર કરો