મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO / મોટા પડદા પર દબદબો જમાવવા તૈયાર છે અક્ષય કુમાર, રિલીઝ થયું 'સ્કાય ફોર્સ'નું ટ્રેલર

નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મો એક પછી એક રિલીઝ કરવાની તૈયારી કરી લીધી છે. લાંબા

નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મો એક પછી એક રિલીઝ કરવાની તૈયારી કરી લીધી છે. લાંબા સમયથી અક્ષય કુમાર હિટ ફિલ્મની શોધમાં સતત ફિલ્મો રિલીઝ કરી રહ્યો છે. પરંતુ તેની શોધ હજુ પૂરી નથી થઈ. દરમિયાન નવા વર્ષની શરૂઆતમાં અક્ષય કુમારે મોટા પડદા પર દબદબો જમાવવાની તૈયારીઓ કરી લીધી છે. અભિનેતાની આગામી ફિલ્મ 'સ્કાય ફોર્સ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. 

આ પણ વાંચો: VIDEO / ગુનેગારોને કીડાની જેમ કચડવા પાછો ફર્યો હાથીરામ ચૌધરી, જબરદસ્ત છે 'પાતાલ લોક 2'નું ટીઝર

ઐતિહાસિક હવાઈ હુમલા પર આધારિત એરિયલ એક્શન ફિલ્મ 'સ્કાય ફોર્સ'માં અક્ષય કુમારની સાથે વીર પહાડિયા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. વીર પહાડિયા આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન પણ સ્ક્રીન શેર કરતી જોવા મળશે, તે તેની પત્નીની ભૂમિકા નિભાવતી જોવા મળશે. એક સમય હતો જ્યારે સારા અલી ખાન અને વીર પહાડિયા એકબીજાને ડેટ કરતા હતા. જોકે હવે બંને સારા મિત્રો છે.

'સ્કાય ફોર્સ'નું પાવરફુલ ટ્રેલર

'સ્કાય ફોર્સ'નું ટ્રેલર વોઈસ ઓવરથી શરૂ થાય છે, જેમાં પાકિસ્તાન ભારતને પડકાર ફેંકતું જોવા મળે છે. આ પછી તરત જ હવાઈ હુમલા અને વિસ્ફોટ થતા જોવા મળે છે. અક્ષય કુમાર અને વીર પહાડિયા આગળના દ્રશ્યમાં એન્ટ્રી કરે છે. જેઓ હુમલાથી ભાગી રહ્યા છે. 'સ્કાય ફોર્સ'ના ટ્રેલરમાં ઘણા દમદાર ડાયલોગ્સ પણ છે. અક્ષય કુમાર એવું કહેતો સાંભળવા મળે છે કે, 'પડોશીઓને કહેવું પડશે કે અમે પણ ઘૂસીને મારી શકીએ છીએ. વિચારો બદલવા પડશે.'

'સ્કાય ફોર્સ'ની વાર્તા વિશે વાત કરીએ તો, તે પાકિસ્તાનના સરગોધા એરબેઝ પર ભારત દ્વારા જવાબી હુમલા પર આધારિત છે. 1965માં ભારત અને પાકિસ્તાની વાયુ સેના વચ્ચે અથડામણ થઈ હતી. 6 સપ્ટેમ્બરે પાકિસ્તાને પઠાણકોટ અને હલવારા એરબેઝ પર હુમલો કર્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાએ સરગોધા પર હુમલો કર્યો હતો. તે સમયે સરગોધા એશિયાના સૌથી મજબૂત એરબેઝમાંનું એક માનવામાં આવતું હતું. આ પછી, ભારતીય પાયલોટે બીજા દિવસે હુમલો કર્યો અને પાકિસ્તાનના સૌથી સુરક્ષિત એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું. ફેન્સને આ ટ્રેલર પસંદ આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો