મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: 1,575 મકાનો ધરાશાયી, એરપોર્ટ બંધ અને 132 લોકોના મોત, કોલંબિયામાં વિનાશક ભૂકંપે મચાવી તબાહી

Colombia Earthquake: દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે આવ

તસવીર: gstv

Colombia Earthquake: દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે આવેલા તીવ્ર ભૂકંપે ભારે વિનાશ નોતર્યો છે. કોલંબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા 7.4ની તીવ્રતાના આ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 132 પર પહોંચી ગયો છે, જ્યારે 570થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કોલંબિયા સરકારે કરી છે.

કુદરતી હોનારતની આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે કોલંબિયા સરકારે સોમવારે જ દેશમાં ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરી દીધી હતી.

1,575 મકાનો ધરાશાઈ અને 6 એરપોર્ટ પર ફ્લાઈટ્સ ઠપ

કોલંબિયાના પ્રમુખ Abelardo de la Espriellaએ બોગોટાથી માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શક્તિશાળી ભૂકંપને કારણે દેશભરમાં 1,575 મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, દેશના 6 એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થતાં તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સનું ઓપરેશન તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

96 km ઊંડાઈએ હતું ભૂકંપનું કેન્દ્રબિંદુ

કોલંબિયન જિયોલોજિકલ સર્વિસના જણાવ્યા અનુસાર, પશ્ચિમી કોલંબિયામાં સ્થાનિક સમય મુજબ સવારે 7:34 વાગ્યે આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ચૌકો વિભાગના સાન જોસ ડેલ પાલ્મરનજીક જમીનમાં 96 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.

સંબંધિત તંત્ર અને અધિકારીઓ પ્રભાવિત પ્રાંતોની રાજધાનીઓ, સ્થાનિક મેયર અને તેમની ટીમ સાથે સતત સંપર્કમાં છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને અસરગ્રસ્તો સુધી સૌથી જરૂરી રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

વૈશ્વિક નેતાઓએ વ્યક્ત કરી સહાનુભૂતિ અને મદદની ખાતરી

આ મુશ્કેલ સમયમાં વિશ્વભરના અગ્રણી નેતાઓએ કોલંબિયાના લોકો પ્રત્યે સંવેદના અને પૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે.

ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 

કોલંબિયામાં આવેલા ભયાનક ભૂકંપના સંદર્ભમાં, હું ફ્રાન્સ વતી કોલંબિયાના લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. મારી સંવેદના પીડિતો, તેમના પરિવારો, ઈજાગ્રસ્તો અને આ હોનારતથી પ્રભાવિત થયેલા તમામ લોકો સાથે છે. આ મુશ્કેલ સમયમાં, કોલંબિયા ફ્રાન્સની દોસ્તી અને સમર્થન પર ભરોસો રાખી શકે છે.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પણ ટ્વિટ કરીને વિશ્વભરના દેશોને મદદ માટે આગળ આવવા હાકલ કરી. 

કોલંબિયામાં આવેલા ભયાનક ભૂકંપના સમાચાર અત્યંત દુઃખદ છે, જેની અસર પડોશી દેશ ઇક્વાડોર પર પણ પડી છે. જેઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે તમામ પરિવારો પ્રત્યે અમારી સંવેદના. કોઈ પણ જીવ ગુમાવવો એ દુઃખદ છે. અમે કોલંબિયાના લોકો અને આ હોનારતથી પ્રભાવિત થયેલા તમામ લોકો સાથે પૂર્ણ સમર્થન અને એકતા સાથે ઊભા છીએ. અમે વિશ્વભરના તમામ લોકોને અપીલ કરીએ છીએ કે જેઓ અત્યારે આ પ્રભાવિત લોકો અને દેશોને મદદ કરી શકે છે તેઓ આગળ આવે અને સહાય કરે.

ઈટાલીના વડાંપ્રધાન મેલોનીએ પણ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું, કે 

હું કોલંબિયામાં આવેલા હિંસક ભૂકંપના અપડેટ્સ ચિંતાપૂર્વક જોઈ રહી છું. આ મુશ્કેલ સમયમાં, ઈટાલી કોલંબિયાના લોકો, અસરગ્રસ્ત પરિવારો અને બચાવ તથા સહાય કામગીરીમાં જોડાયેલા તમામ લોકો સાથે એકતા દર્શાવે છે.

આ સમાચાર શેર કરો