શું રશિયા-યુક્રેન યુદ્ધ જલ્દી ખત્મ થશે?, ઝેલેન્સ્કીએ શાંતિ પરિષદમાં ભાગ લેવા ભારતને આપ્યું વિશેષ આમંત્રણ
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, જો આપણે ઇમાનદારી પૂર્વક યુદ્ધ બંધ કરવું જ હોય તો, વહેલામાં વહેલી તકે બીજી શા

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, જો આપણે ઇમાનદારી પૂર્વક યુદ્ધ બંધ કરવું જ હોય તો, વહેલામાં વહેલી તકે બીજી શાંતિ પરિષદ બોલાવવી જોઈએ. આ સાથે તેઓએ કહ્યું કે તે માટે ભારતને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. સૌથી પહેલા ભારતને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભાવિ શાંતિ પરિષદમાં ઉપસ્થિત રહેવા ભારતને સવિશેષ આમંત્રણ
યુએન મહાસભાને સંબોધન કરવા ઝેલેન્સ્કી અને નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચ્યા હતા ત્યારે બન્ને નેતાઓની વચ્ચે વધુ એક વખત મુલાકાત થઈ હતી. છેલ્લા ત્રણ મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી મુલાકાત યોજાઈ હતી.ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને પુતિન સાથે પણ ગાઢ મૈત્રી છે, તે બરોબર જાણતા હોવા છતાં ઝેલેન્સ્કીએ સૌથી પહેલા તે ભાવિ શાંતિ પરિષદમાં ઉપસ્થિત રહેવા ભારતને સવિશેષ આમંત્રણ આપ્યુ, તે પીએમ નરેન્દ્ર મોદીની તટસ્થતા ઉપરનો ઝેલેન્સ્કીનો વિશ્વાસ દર્શાવે છે.
આપણે બીજી શાંતિ પરિષદ માટે તૈયાર રહેવું જ પડશે
યુક્રેનના પ્રમુખે સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિને કરેલા આ સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ પૂર્ણત: બંધ કરવું જ હોય તો, આપણે બીજી શાંતિ પરિષદ માટે તૈયાર રહેવું જ પડશે. ભારત અને અન્ય દેશોને શાંતિ પરિષદમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
મંગળવારે સુરક્ષા પરિષદને સંબોધન કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, આપણે બધા જ જાણીએ છીએ કે, આ યુદ્ધ રોકવા માટે જરૂરી શું છે ? મહત્ત્વની વાત તે છે કે વિશ્વને વિવિધ અને નવા નવા જૂથોમાં વિભાજિત કર્યા સિવાય સૌએ એક સાથે મળી કામ કરવું જોઈએ. તેમ ઝેલેન્સ્કીએ યુએનની સલામતી સમિતિમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું.






