અમેરિકા જતાં પહેલાં ચેતી જજો! એરપોર્ટ પર મોબાઈલ-લેપટોપની તપાસ થશે

વોશિંગ્ટન : અમેરિકાની એક અદાલતના ચુકાદા મુજબ, દેશની સરહદે પ્રવેશતા મુસાફરોના મોબાઈલ, લેપટોપ સહિતના ઇલેક્ટ્રોનિક ડિવાઈસની તપાસ માટે અધિકારીઓને વોરન્ટની જરૂર નથી. અદાલતે આ તપાસને સરહદ સુરક્ષા (Border Security) સાથે જોડીને તેને સામાન્ય પોલીસ તપાસથી અલગ ગણાવી છે.
કેસની સુનાવણીમાં મહત્વનો ચુકાદો
આ મામલો ચિનવેન્દુ એલિસિગ્વેના કેસ સાથે જોડાયેલો છે. અમેરિકન અધિકારીઓએ એરપોર્ટ પર તેમના મોબાઈલ અને લેપટોપની તપાસ કરી હતી. ડિવાઈસમાંથી મળેલા પુરાવાના આધારે તેમની સામે મની લોન્ડરિંગ (Money Laundering)નો કેસ નોંધાયો હતો. અરજદારે વોરન્ટ વિના તપાસને પ્રાઈવસીના અધિકારનો ભંગ ગણાવ્યો હતો.
વિદેશી વિદ્યાર્થીઓ-પ્રવાસીઓને અસર
અદાલતે અરજદારની દલીલ ફગાવીને કહ્યું કે અમેરિકામાં પ્રવેશ સમયે સુરક્ષા અધિકારીઓ મુસાફરોની ચીજવસ્તુઓની તપાસ કરી શકે છે. આ ચુકાદાને કારણે વિદેશી નાગરિકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓના મોબાઈલ તથા લેપટોપની તપાસ વધવાની શક્યતા છે.
વિઝા ધારકો અંગે પણ ચેતવણી
દરમિયાન શ્રમ-રોજગાર વિભાગના વડા એન્ટની ડિસ્પોસિટોએ વિદેશી નાગરિકોના કામકાજ અંગે કડક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકન વિઝા મળવાથી સ્થાનિક કામદારોની નોકરી છીનવવાનો અધિકાર મળતો નથી. તેમણે ફેક જોબ અને વિઝાની શરતોના ભંગ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

