અમેરિકામાં H1B વિઝા બંધ કરવાની તૈયારી? નવા બિલથી ભારતીય પ્રોફેશનલ્સ પર અસરની શક્યતા

અમેરિકામાં H1B વિઝા પ્રોગ્રામને લઈને ફરી એક વખત રાજકીય ચર્ચા તેજ બની છે. રિપબ્લિકન પ્રતિનિધિ ગ્રેગ સ્ટ્યુબીએ H1B વિઝા યોજના બંધ કરવા માટે નવું બિલ રજૂ કર્યું છે, જેને ‘Ending Exploitative Imported Labor Exemptions Act (EXILE Act)’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રસ્તાવિત કાયદો ખાસ કરીને ભારતીય ટેક અને આઈટી પ્રોફેશનલ્સ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
H1B વિઝા શું છે?
H1B વિઝા અમેરિકાનો નોન-ઇમિગ્રન્ટ વર્ક વિઝા છે. તેના માધ્યમથી અમેરિકાની કંપનીઓ ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેડિકલ અને ફાઇનાન્સ જેવા વિશેષ ક્ષેત્રોમાં વિદેશી કુશળ કર્મચારીઓને નોકરી પર રાખી શકે છે. આ યોજના ખાસ કુશળતા ધરાવતા નિષ્ણાતોને અમેરિકા આવી કામ કરવાની તક આપવા માટે શરૂ કરવામાં આવી હતી.
બિલમાં શું પ્રસ્તાવ છે?
સ્ટ્યુબી દ્વારા રજૂ કરાયેલા EXILE Act મુજબ, ઇમિગ્રેશન અને નેશનાલિટી એક્ટમાં ફેરફાર કરીને H1B વિઝા પ્રોગ્રામને સંપૂર્ણ રીતે બંધ કરવાનો પ્રસ્તાવ છે. બિલ મુજબ વર્ષ 2027થી દરેક નાણાકીય વર્ષમાં H1B વિઝાની સંખ્યા શૂન્ય કરવાની વાત કરવામાં આવી છે.
સ્ટ્યુબીનો દાવો છે કે H1B પ્રોગ્રામ અમેરિકન નાગરિકોની જગ્યાએ વિદેશી કામદારોને વધુ પ્રાથમિકતા આપે છે અને સ્થાનિક યુવાનોની નોકરીની તકોને અસર કરે છે.
ભારતીયો પર સૌથી વધુ અસર
H1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીય પ્રોફેશનલ્સ લે છે. અંદાજ મુજબ H1B વિઝા ધારકોમાં 70 ટકા કરતાં વધુ ભારતીયો છે, જેમાં મોટી સંખ્યામાં આઈટી અને ટેક ક્ષેત્રના યુવાનો સામેલ છે. તેથી આ બિલ આગળ વધે તો તેની સીધી અસર ભારતીય કામદારો પર પડી શકે છે.
હજુ પ્રક્રિયા બાકી
હાલમાં આ બિલ અમેરિકાની પ્રતિનિધિસભામાં રજૂ થયું છે. હજુ તેની ચર્ચા કે મતદાન થયું નથી. આગળ તે સંબંધિત હાઉસ કમિટીને મોકલાશે, જ્યાં નક્કી થશે કે તેની સત્તાવાર સુનાવણી થશે કે નહીં. પ્રતિનિધિસભા પાસ થયા પછી જ તે સેનેટમાં જશે.
વિઝા ફી અંગે પણ બદલાવ
પાછલા વર્ષે ટ્રમ્પ સરકાર દ્વારા H1B વિઝાની ફી વધારવાનો નિર્ણય લેવાયો હતો. અરજી વખતે એક વખત માટે વધારેલી ફી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે અગાઉની તુલનામાં ઘણી વધારે હતી.
સમગ્ર મામલો હાલમાં પ્રસ્તાવના સ્તરે છે, પરંતુ H1B વિઝા પરનો આ મુદ્દો આગામી સમયમાં અમેરિકા અને ભારતીય પ્રોફેશનલ્સ માટે મહત્વપૂર્ણ બની શકે છે.

