ઈસ્લામાબાદમાં અમેરિકા ઈરાન વચ્ચે વાટાઘાટાનો સેકન્ડ રાઉન્ડ શરૂ, શાહબાઝ -મુનીર કરી રહ્યા છે મધ્યસ્થી

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકા, ઈરાન અને પાકિસ્તાન વચ્ચે મહત્વપૂર્ણ ત્રિપક્ષીય વાટાઘાટાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈને બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ ચર્ચાઓ એવા સમયે થઈ રહી છે જ્યારે તાજેતરમાં સ્થાપિત યુદ્ધવિરામ બાદ આ ક્ષેત્રમાં શાંતિ જાળવવાના પ્રયાસો વધુ તીવ્ર બન્યા છે. બંને દેશો પોતાની શરતો પર અડગ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વાટાઘાટો સંઘર્ષને સંપૂર્ણપણે સમાપ્ત કરવા, હોર્મુઝ સ્ટ્રેટ અંગે સર્વસંમતિ પર પહોંચવા અને ભવિષ્યના સુરક્ષા માળખાની ચર્ચા કરવા પર કેન્દ્રિત છે. પાકિસ્તાન આ ચર્ચાઓમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે 6 અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષ પર પૂર્ણ વિરામ મૂકવા માટે બંને દેશોના પ્રતિનિધિ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા છે. જ્યાં શાતિ મંત્રણા ચાલી રહી છે. ઈરાની પ્રતિનિધિઓમાં ત્યાંની સંસદના સ્પીકર મોહમ્મદ બધેર ગાલિબફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સામેલ છે. ત્યારે, અમેરિકન પ્રતિનિધિમંડળના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સામેલ છે.
મધ્ય-પૂર્વ (મિડલ-ઈસ્ટ)માં ચાલી રહેલા યુદ્ધ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે આજે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ઈસ્લામાબાદ ખાતે આજથી મહત્વપૂર્ણ શાંતિ વાર્તા શરૂ થઈ રહી છે. આ બેઠક માટે બંને દેશોના ટોચના પ્રતિનિધિઓ પાકિસ્તાન પહોંચી ગયા છે.

