VIDEO: ટ્રમ્પનો નવો માસ્ટરપ્લાન: પોતાની જ સોશિયલ મીડિયા પોસ્ટમાંથી હવે ડોલર્સમાં કમાણી કરશે
ન્યુ યોર્ક: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મિડિયા કંપની ટ્રમ્પ મિડિયા એન્ડ ટેકનોલોજીએ તેની સોશ્યલ મિડિયા સર્વિસ ટ્રુથ સોશિયલમાંથી નાણાં રળવાની વ્યૂહરચના ઘડી કાઢી છે. ટ્રુથ સોશિયલની આ નવી સેવા ટ્રુથ પીએસઆઇ નામે ઓળખાશે અને તેના ગ્રાહકોને પ્રમુખ ટ્રમ્પના મેસેજીસ મિલિસેકન્ડમાં મળશે જેનો ઉપયોગ કરી ગ્રાહકો શેરબજાર કે કોમોડિટી માર્કેટમાં નાણાં રળી શકશે. આવતા મહિને શરૂ થનારી આ સેવા માટે કેટલા નાણાં ચાર્જ કરવામાં આવશે તે જણાવાયું નથી. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પના બાર કરોડ કરતાં વધારે ફોલોઅર્સ છે. છેલ્લા થોડા મહિનાઓથી ટ્રમ્પ ઇરાનના યુદ્ધ કે ટેરિફ વિશેના કે ઇમિગ્રેશન કાર્યવાહીના નિર્ણયોની જાણ ટ્રુથ સોશિયલ પોસ્ટ દ્વારા લોકોને કરે છે.
ટ્રમ્પની મિડિયા કંપનીના શેરનો ભાવ ટ્રમ્પ પ્રમુખ બન્યા તે પહેલાં ૪૦ ડોલર હતો તે ગગડીને દસ ડોલર પણ રહ્યો નથી
યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કંપનીના સાથી મોટા શેરહોલ્ડર તરીકે આ સેવાઓથી સીધો ફાયદો થશે. ગુરૂવારે આ પગલાંની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રુથ પીએસઆઇ નામની આ સેવા લેનારા ગ્રાહકોને મિલીસેકન્ડમાં આ સમાચાર મળશે જેથી તેઓ તેનો લાભ શેરબજાર, બોન્ડ કે વ્યાજના દરના ફેરફારને આધારે મેળવી શકશે. અન્ય પ્લેટફોર્મની જેમ જ આ પ્લેટફોર્મ પર સર્વિસ ચાર્જ લેવામાં આવશે. ફર્ક માત્ર એટલો જ છે કે આ પ્લેટફોર્મ પર ખુદ યુએસના પ્રમુખની પોસ્ટ તમને બીજા કરતાં વહેલી મળશે.
નોંધપાત્ર બાબત એ છે કે પ્રમુખ ટ્રમ્પે ગયા વર્ષે સત્તા હાંસલ કરી ત્યારથી તેમની ટ્રમ્પ મિડિયા એન્ડ ટેકનોલોજી કંપનીના શેરના ભાવ ૭૦ ટકા તુટી ગયા છે. શેરધારકોએ તેના કારણે છ અબજ ડોલર્સ ગુમાવ્યા છે. જો કે ટ્રમ્પના ફાયનાન્શિયલ હોલ્ડિંગ અનુસાર તેમણે ગયા વર્ષે એક અબજ ડોલર્સની રેવન્યુ આ કંપનીઓમાંથી મેળવી હતી.
અમેરિકન સરકારી કર્મચારીના હિતો તેના હોદ્દાની રૂએ ટકરાતાં હોય તો તેણે એ હિતો જતાં કરવા પડે છે. આ કાયદામાંથી પ્રમુખને બાકાત રાખવામાં આવ્યા છે. આમ છતાં અત્યાર સુધીના તમામ પ્રમુખોએ તેમને આ કાયદો લાગુ પડતો હોય તેમ તેમની સંપત્તિઓનો વહીવટ કર્યો હતો પણ ટ્રમ્પે આમ કરવાની ના પાડી હતી એટલું જ નહીં પ્રમુખ બન્યા પછી પણ તેમણે તેમના ક્રિપ્ટો સહિત અનેક નવા ધંધા શરૂ કર્યા હતા. જેમાં એક તો ન્યુક્લિયર ફ્યુઝનનો બિઝનેસ છે.
ટ્રમ્પ મિડિયાએ તાજેતરમાં જ તેના સીઇઓ ડેવિન નન્સને હટાવી તેમના સ્થાને કેવિન મેકગર્નની નિમણૂક કરી હતી. મેકગર્ને આ પગલાંને તેમની સંપત્તિમાંથી નાણાં રળવાની વ્યૂહરચના ગણાવી હતી. ટ્રમ્પ ગયા વર્ષે સત્તા સ્થાને આવ્યા તે પહેલાં તેમની મિડિયા કંપનીના શેરનો ભાવ ૪૦ ડોલર જેટલો હતો ગુરૂવારે આ જાહેરાત થતાં શેરના ભાવમા અડધા ટકાનો નજીવો વધારો થતાં શેરનો ભાવ ૯.૬૩ થયો હતો.

