VIDEO: ઈરાનને ઘેરવા ત્રણ મોટા સૈન્ય વિકલ્પો પર ટ્રમ્પનો માસ્ટરપ્લાન
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીનો વ્યાપ વધુ મોટો કરવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ટ્રમ્પે પોતાના વરિષ્ઠ સલાહકારો અને અધિકારીઓ સાથે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજીને ઈરાન વિરુદ્ધ ત્રણ મોટા સૈન્ય વિકલ્પો પર ચર્ચા કરી છે. ઈરાનને ઘેરવાના પ્લાનમાં હવાઈ હુમવા તેજ કરવાનો વિચાર કરવામાં આવ્યો, જેમાં ઈરાનના ઉર્જા મથકો સહિતના આંતરિક વિસ્તારો પર એર સ્ટ્રાઈક વધારવાનું પ્લાનિંગ કરાયું છે. હોર્મુઝ નજીક આવેલા ઈરાની દ્વીપો પર અમેરિકી સેના મોકલીને તેના પર લશ્કરી કબજો કરવાનો પણ પ્લાન ઘડાયો છે. આ સિવાય પરમાણું ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્લાન પણ ઘડાયો હોવાનું ચર્ચાઈ છે. ટ્રમ્પની હાઈ-લેવલ બેઠકમાં ખર્ગ દ્વીપ અને હોર્મુઝના આસપાસના વિસ્તારોમાં અમેરિકી સૈનિકો ઉતારીને નિયંત્રણ મેળવવાની સંભાવનાઓ ચકાસવામાં આવી છે. જોકે, આ અંગે હજુ કોઈ આખરી નિર્ણય લેવાયો નથી, પરંતુ આ ગતિવિધિઓ સ્પષ્ટ સંકેત આપે છે કે અમેરિકા ઈરાન પ્રત્યે પોતાની સૈન્ય નીતિમાં એક મોટો અને આક્રમક બદલાવ કરવા જઈ રહ્યું છે.

