VIDEO: વર્ચસ્વની લડાઈ/ ટ્રમ્પનું ઈરાનને 24 કલાકનું અલ્ટીમેટમ, 'હોર્મુઝને ખુલ્લું જાહેર કરો નહિતર…'
Donald Trump Ultimatum Iran: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અંકુશ મેળવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા ચાર દિવસથી દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રચંડ ધડાકા થઈ રહ્યા છે અને ઈરાને અમેરિકાના સાથી એવા ખાડી દેશો પર મિસાઇલ તેમજ ડ્રોન વડે હુમલા પણ કર્યા છે. અહેવાલો મુજબ, બંદર અબ્બાસ, કેશ્મ, મૂસા અને ચાબહાર જેવા મહત્ત્વના બંદર શહેરોમાં પણ જોરદાર ધડાકાના અવાજો સંભળાઈ રહ્યા છે. આ હિંસક ગતિવિધિઓના કારણે હજુ માંડ બે અઠવાડિયા પહેલા બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી અને સીઝફાયર હવે જોખમમાં મુકાઈ ગયું છે.
આ વખતે આખી લડાઈ હોર્મુઝના દરિયાઈ માર્ગો પર વર્ચસ્વ જમાવવા માટેની છે. ઈરાને હોર્મુઝની અંદર એક અલગ દરિયાઈ રસ્તો બનાવી દીધો છે અને તેનો દાવો છે કે તમામ જહાજોએ તેના નિયંત્રણ હેઠળના આ જ રસ્તેથી પસાર થવું પડશે, જ્યારે અમેરિકા ત્યાં એક અલગ કોરિડોર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આમ, બંને દેશો વચ્ચે ખરી લડાઈ હોર્મુઝની અંદર અલગ-અલગ રૂટને લઈને શરૂ થઈ છે.
ટ્રમ્પનું ઈરાનને 24 કલાકનું અલ્ટીમેટમ: 'હોર્મુઝને ખુલ્લું જાહેર કરો નહિતર…'
અમેરિકા દ્વારા સૂચવવામાં આવેલા રસ્તા પરથી જ્યારે કોઈ વ્યાપારી જહાજ પસાર થાય છે, ત્યારે ઈરાન તેના પર હુમલો કરી દે છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે ધમકી આપી છે કે ઈરાન સત્તાવાર અને સાર્વજનિક રીતે હોર્મુઝના માર્ગને બધા માટે ખુલ્લો જાહેર કરે, જો આગામી 24 કલાકમાં આવું કરવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
અહીં નોંધવું મહત્ત્વનું છે કે, આ જ હોર્મુઝના માર્ગેથી આખી દુનિયાના કુલ ઓઇલ સપ્લાયનો પાંચમો હિસ્સો પસાર થાય છે. અગાઉ 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધ પછી જ્યાં સુધી બંને પક્ષે સમજૂતી નહોતી થઈ, ત્યાં સુધી આ દરિયાઈ માર્ગમાં હજારો જહાજો ફસાયેલા રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ ઊભું થયું હતું.
અમેરિકાની શરતો: કોઈપણ શુલ્ક વગર શિપિંગ ચેનલો ખોલવાની માંગ
અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે પ્રાદેશિક મધ્યસ્થીઓ (રીજનલ મીડિએટર્સ) મારફતે ઈરાનને પોતાનો આકરો સંદેશો મોકલી આપ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન ઈચ્છે છે કે ઈરાન જાહેર પ્લેટફોર્મ પરથી એલાન કરે કે હોર્મુઝનો દરિયાઈ માર્ગ તમામ દેશો માટે ખુલ્લો છે. આ ઉપરાંત, ઈરાને ખાતરી આપવી પડશે કે તે ભવિષ્યમાં કોઈપણ કોમર્શિયલ શિપને નિશાન બનાવશે નહીં.
અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પની મુખ્ય માંગ એ છે કે હોર્મુઝની તમામ શિપિંગ ચેનલોને કોઈપણ પ્રકારના ટેક્સ કે શુલ્ક વગર મુક્ત કરી દેવામાં આવે. અમેરિકાએ આક્ષેપ કર્યો છે કે ઈરાન ગયા અઠવાડિયે થયેલી સમજૂતીનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યું છે. આ વિવાદના ઉકેલ માટે શનિવારે ઓમાન અને ઈરાનના ઉચ્ચ અધિકારીઓ મસ્કાટમાં બેઠક યોજી શકે છે, જેમાં અમેરિકાના અધિકારીઓ પણ ભાગ લે તેવી શક્યતા છે. જોકે, આ તણાવ વચ્ચે જ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે એવું પણ નિવેદન આપ્યું હતું કે ઈરાને તેમની સાથે વાતચીત કરવા માટે વિનંતી કરી હતી અને તેઓ વાત કરવા માટે સહમત થયા છે.
અમેરિકન વાયુસેનાની બોમ્બમારો: ઈરાનની આર્થિક-ટેકનિકલ કમર તોડવાનો દાવો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન અમેરિકન વાયુસેના દ્વારા ઈરાનના મુખ્ય મથકો પર કરવામાં આવેલા જોરદાર હુમલા બાદ આવ્યું છે. મીડિયા અહેવાલો મુજબ, અમેરિકાના લડાકુ વિમાનો અને મિસાઇલોએ ઈરાનના પશ્ચિમ ભાગમાં આવેલા મહત્ત્વના વીજ પ્લાન્ટ્સ, મોટા પાવર સ્ટેશનો અને દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના તટીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને ભારે બોમ્બમારો કર્યો હતો. આ મોટી કાર્યવાહી બાદ અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની આર્થિક અને ટેક્નોલોજીકલ ક્ષમતાને તોડી પાડવાનો છે, જેનો ઉપયોગ તે પોતાની સૈન્ય પ્રવૃત્તિઓ અને હુમલાઓને વધારવા માટે કરી રહ્યું છે.

