VIDEO: 'પ્રમુખ છો એટલે ગમે તે કરશો?': વ્હાઇટ હાઉસમાં તોડફોડ કરવા બદલ કોર્ટે ટ્રમ્પને લીધા આડેહાથ!
Donald Trump and USA court News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અદાલત તરફથી મોટો ઝટકો લાગ્યો છે. વોશિંગ્ટન સ્થિત 'યુ.એસ. કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા સર્કિટ'ની ફેડરલ અપીલ કોર્ટે ટ્રમ્પ તંત્રના અત્યંત મહત્વાકાંક્ષી $400 મિલિયન (આશરે ₹3,500 કરોડ) ના વ્હાઇટ હાઉસ બોલરૂમ પ્રોજેક્ટના નિર્માણ પર રોક લગાવી દીધી છે.
અદાલતે 2-1 ના બહુમતી ચુકાદામાં સખત ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, "દરેક પ્રમુખ વ્હાઇટ હાઉસના અસ્થાયી ભાડૂઆત હોય છે, માલિક નહીં". અદાલતે સ્પષ્ટ કર્યું કે સંસદ (કોંગ્રેસ) ની મંજૂરી વિના કાર્યપાલિકા (Executive) વ્હાઇટ હાઉસ જેવા ઐતિહાસિક ભવનમાં આટલો મોટો ફેરફાર કરી શકે નહીં.
શું છે સમગ્ર વિવાદ?
ગયા વર્ષે ટ્રમ્પ તંત્ર દ્વારા યુએસ કોંગ્રેસની પૂર્વ મંજૂરી લીધા વિના જ વ્હાઇટ હાઉસના ઐતિહાસિક 'ઈસ્ટ વિંગ' (East Wing) ને તોડી પાડવામાં આવ્યું હતું અને તેની જગ્યાએ 90,000 ચોરસ ફૂટમાં વિશાળ બોલરૂમનું નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ પગલાં સામે 'નેશનલ ટ્રસ્ટ ફોર હિસ્ટોરિક પ્રિઝર્વેશન' નામના સંગઠને અદાલતમાં અરજી કરી હતી.
અપીલ કોર્ટે આ સંસ્થાને મળેલી પ્રારંભિક રોક (Injunction) ને બહાલ રાખતા જણાવ્યું કે, વિશાળ બોલરૂમ બનાવવો કે નહીં તે નક્કી કરવાનો અધિકાર કોંગ્રેસનો છે, રાષ્ટ્રપતિ પોતાની મરજીથી આ નિર્ણય લઈ શકે નહીં.
સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવશે ટ્રમ્પ તંત્ર
કોર્ટે પોતાના ચુકાદા પર 14 દિવસ માટે અમલવારી મુલતવી રાખી છે, જેથી ટ્રમ્પ તંત્ર યુએસ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે.
આ નિર્ણય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર આક્રોશ વ્યક્ત કરતા તેને "રાજકીય રીતે પ્રેરિત" નિર્ણય ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે બોલરૂમ પ્રોજેક્ટમાં બોમ્બ શેલ્ટર, આધુનિક તબીબી સુવિધાઓ અને ડ્રોન તથા મિસાઇલ વિરોધી સુરક્ષા પ્રણાલીઓ શામેલ છે, જે વ્હાઇટ હાઉસની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે અમેરિકાની સુપ્રીમ કોર્ટ આ અન્યાયી આદેશને રદ કરશે.

