VIDEO: સત્તા ન મળી એટલે વિપક્ષ દેશનું કામ અટકાવવા માંગે છે: 'પબ્લિક એક્ઝામિનેશન્સ બિલ' મુદ્દે કંગના રનૌતના પ્રહાર
ભાજપના સાંસદ કંગના રનૌતે 'પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ બિલ, 2026' મુદ્દે વિપક્ષની કામગીરી અને વિરોધ સામે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વિપક્ષ દેશના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાને બદલે માત્ર સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાનું કામ કરી રહ્યો છે.
સંસદ ભવન બહાર પત્રકારો સાથે વાતચીતમાં કંગના રનૌતે જણાવ્યું હતું કે, "મને લાગે છે કે તેમણે (વિપક્ષે) નક્કી જ કરી લીધું છે કે જ્યાં સુધી તેમને સત્તા કે ખુરશી નહીં મળે, ત્યાં સુધી તેઓ સંસદને ચાલવા નહીં દે – પછી ભલે મુદ્દો ગમે તેટલો સંવેદનશીલ કે મહત્વપૂર્ણ કેમ ન હોય."
શિક્ષણ સુધારા બિલનો વિરોધ કરવા બદલ વિપક્ષ પર નિશાનો સાધતા ભાજપ સાંસદે ઉમેર્યું કે, "આજે જ્યારે શિક્ષણ ક્ષેત્રના સુધારા માટેનું મહત્વનું બિલ રજૂ કરવામાં આવ્યું, ત્યારે વિપક્ષી સાંસદોએ તેને ફગાવી દેવા માટે હાથ ઊંચા કર્યા. આખા દેશે જોવું જોઈએ કે જ્યારે આ બિલ આવ્યું ત્યારે તેમણે એવું કહીને વિરોધ કર્યો કે આ બિલ ન આવવું જોઈએ."
વિપક્ષના ઈરાદાઓ પર સવાલ ઉઠાવતા તેમણે અંતમાં કહ્યું, "તેમનો સ્પષ્ટ ઈરાદો એ જ છે કે દેશમાં કોઈ કામ થવું ન જોઈએ, માત્ર એટલા માટે કારણ કે દેશની જનતાએ તેમને જનાદેશ (સત્તા) નથી આપ્યો."

